PM Modi Kuwait Visit : કુવૈતે PM મોદીને તેનું સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ આપ્યું
કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન
“મુબારક અલ કબીર ઓર્ડર” કુવૈતનું વિશેષ નાઈટહુડ સન્માન છે
PM Modi Kuwait Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન “ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર” આપવામાં આવ્યું છે. કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. “મુબારક અલ કબીર ઓર્ડર” કુવૈતનું વિશેષ નાઈટહુડ સન્માન છે. આ સન્માન સામાન્ય રીતે દેશના વડા, વિદેશી શાસકો અને શાહી પરિવારના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે. આ પહેલા બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા આંતરરાષ્ટ્રીય નેતાઓને આ સન્માન આપવામાં આવ્યું છે.
અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રવિવારે કુવૈતના ‘બાયન પેલેસ’ (કુવૈતના અમીરનો મુખ્ય મહેલ) ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. PM મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા. તેઓ કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ ખાડી દેશની આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા 1981માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કુવૈત ગયા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે લખ્યું કુવૈતના વડા પ્રધાન મહામહિમ શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ શનિવારે ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો અને ભારતીય શ્રમ શિબિરની પણ મુલાકાત લીધી હતી. ભારત કુવૈતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે અને ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો વિદેશી સમુદાય છે.
કુવૈત પણ ભારતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે અને નાણાકીય વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 10.47 અબજ યુએસ ડોલર હતો. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે, જે દેશની ઉર્જા જરૂરિયાતોના ત્રણ ટકા પૂરા કરે છે.