રાફેલ મામલે કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ મોદી સરકારના પ્રાથમિક વાંધાઓને ફગાવી દીધા છે. સરકારે અરજી સાથે દસ્તાવેજોને વિશેષાધિકાર તરીકે ગણાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાફેલ મામલે રક્ષા મંત્રાલયમાંથી ફોટોકોપી કરાયેલા ગુપ્ત દસ્તાવેજોનું પરીક્ષણ કરશે. કેન્દ્ર સરકારે કહ્યું કે ગુપ્ત દસ્તાવેજોની ફોટોકોપી અથવા ચોરી કરેલી કોપી પર વિશ્વાસ કરી શકાય એમ નથી. આ ફેંસલો સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચની સંમતિથી કરવામાં આવ્યો છે.
અત્રે નોંધીનય છે કે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અરજદારો તરફથી આપવામાં આવેલા દસ્તાવેજો ખોટી રીતે હાંસલ કરવામાં આવ્યા છે અને આ દસ્તાવેજો પર ભરોસો કરી શકાય એમ નથી.
અરજદાર અરુણ શૌરીએ રાફેલ મામલે પુન:વિચાર અરજી પર કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય અંગે કહ્યું કે દસ્તાવેજોની સ્વીકાર્યતા પર કેન્દ્ર સરકારના તર્કને સર્વસંમતિથી ફગાવી દેવાના ફેસલાથી અમે ખુશ છીએ.
કેન્દ્ર સરકારે દાવો કર્યા હતો કે 14મી ડિસેમ્બર 2018ના રોજ કોર્ટનાં ફેંસલા પર પુનર્વિચાર કરવાની બાબત વિશેષાધિકારના દાયરામાં આવે છે. સરકારે કહ્યું હતું કે અરજી પર સુનાવણી કરવા માટે આ દસ્તાવેજો અંગે કોર્ટ ધ્યાન આપે નહીં. પૂર્વ નાણા મંત્રી યશવંતસિંહા અને પત્રકારમાંથી નેતા બનેલા અરુણ શૌરી અને સામાજિક કાર્યકર-વકીલ પ્રશાંત ભૂષણે કેન્દ્ર સરકારની અરજીની ફગાવી દેવાની માંગ કરી હતી.
અરજદાર પૈકીના પ્રશાંત ભૂષણે એટોર્ની જનરલના દાવાને ખોટા બતાવતા કહ્યું કે વિશેષાધિકારનો દાવો એવા દસ્તાવેજ પર કરી શકાતો નથી જે પહેલાંથીજ જાહેર થઈ ગયા હોય. ભારતીય અધિનિયમની કલમ 123 માત્ર અપ્રકાશિત દસ્તાવેજોને જ સંરક્ષણ આપે છે.
અરુણ શૌરીએ ટીપ્પણી કરી કે એટોર્ની જનરલના આભારી છીએ કે તેમણે દસ્તાવેજો વાસ્તવિક હોવાનું સ્વીકાર્યું છે અને ફોટોકોપી હોવાનું જણાવ્યું છે.