કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અલ્પેશ ઠાકોર શું કરશે તો એ પ્રશ્નનો જવાબ એવો છે કે સીધી રીતે બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર ઠાકોર સેના સાથે સંકળાયેલા સ્વરૂપ ઠાકોર અને મેલાજી ઠાકોરનો પ્રચાર કરે એવી શક્યતા છે. જો એમ થાય તો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે અને બનાસકાંઠામાં કોંગ્રેસને નુકશાન થવાની શક્યતા જોવામાં આવી રહી છે.
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી સ્વરૂપ ઠાકોરની દાવેદારી કરાવી હતી પરંતુ કોંગ્રેસે સ્વરૂપ ઠાકોરને ટીકીટ આપી નહી અને સહકારી આગેવાન પરથી ભાટોળને ટીકીટ આપી. આ ઉપરાંત પાટણમાં પણ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરની વાત સાંભળી નહી એટલે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના સાથે સંકળાયેલા સ્વરૂપ ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરી અને મેલાજી ઠાકોરે ગરવી ગુજરાત પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. સ્વરૂપ ઠાકોર હાલ ઠાકોર સેનામાં અલ્પેશ ઠાકોર પછી નંબર-ટૂના સ્થાને છે જ્યારે મેલાજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાનો પ્રમુખ રહી ચૂક્યો છે. આમ અલ્પેશના બે સાથી અલગ-અલગ રીતે ચૂંટણી લડી રહ્યા છે.
બનાસકાંઠામાં ઠાકોર સમાજના વોટ ભાજપને મળતા નથી અને આ વોટ કોંગ્રેસમાં જતા અટકવવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. સામે કોંગ્રેસ પણ આક્રમક છે. ગેનીબેન ઠાકોરે પોતે પરથી ભાટોળને ટીકીટ મળે તેવી રજૂઆત કરી હતી. ગેનીબેન પર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. સામે ભાજપના ઉમેદવાર તરીકે હાલ ગુજરાત સરકારના મંત્રી પરબત પટેલ છે. ઠાકોર સેનાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા સીધો ફાયદો ભાજપને થતો દેખાય છે. ઠાકોર સેનાના બન્ને ઉમેદવારો કોંગ્રેસના કેટલા વોટમાં ગાબડાં પાડશે તે કહેવું હાલ મુશ્કેલ છે.