Vijay Rupani International Airport: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને વિજય રૂપાણી નામ આપવાની માંગ તેજ, કેન્દ્રને લખાયો પત્ર

Arati Parmar
2 Min Read

Vijay Rupani International Airport: રાજકોટ ચેમ્બર અને બિલ્ડર એસોસિયેશને કેન્દ્રને લેખિત રજૂઆત કરી

Vijay Rupani International Airport: અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે સંપૂર્ણ એક મહિનો પસાર થયો છે. 12 જૂન, 2025ના રોજ બનેલી આ દુર્ઘટનામાં, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 241 મુસાફરોના દુખદ અવસાન થયા હતા.. આ દુર્ઘટનાને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે, રાજકોટના ઔદ્યોગિક અને નિર્માણ જગતમાંથી તેમની યાદમાં એક વિશેષ માંગ ઊઠી છે.

રાજકોટ ચેમ્બર અને બિલ્ડર એસોસિયેશનની કેન્દ્ર સરકારને રજૂઆત

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને બિલ્ડર એસોસિએશન તરફથી કેન્દ્ર સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજકોટના હીરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટને વિજય રૂપાણી ઈન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવે. આ નામકરણ પૂર્વ મુખ્યમંત્રીના યોગદાનને માન આપી ભવિષ્યની પેઢીને તેમનો સંદેશ પહોંચાડે તેવા આશય સાથે માંગવામાં આવ્યું છે.

Vijay Rupani International Airport

કાર્યકાળ દરમિયાન વિકાસના અનેક કામો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન શહેરને AIMs હોસ્પિટલ, નવું બસપોર્ટ, અટલ સરોવર, ન્યૂ રેસકોર્સ, ઓવરબ્રિજ અને નવી જીઆઈડીસી જેવી અનેક ભેટો મળી હતી. તેમની નિતી અને દૃષ્ટિકોણના પરિણામે આજે રાજકોટમાં વિશ્વસ્તરની સવલતો ઉભી થઈ છે. તેમના જ આગ્રહ પર કેન્દ્ર સરકારે ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે રાજકોટની પસંદગી કરી હતી.

સહાનુભૂતિપૂર્વક શ્રદ્ધાંજલિ આપવાની માંગ

બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વિજયભાઈનું વ્યક્તિત્વ ખૂબ સાદું અને જનકલ્યાણની ભાવનાથી ભરેલું હતું. ત્યારે એવા મહાન નેતાને શ્રદ્ધાંજલિ આપવા હીરાસર એરપોર્ટનું નામ તેમનાં પર રાખવું યોગ્ય રહેશે.

Vijay Rupani International Airport

જિલ્લાપંચાયતના પૂર્વ પ્રમુખ પણ જોડાયા

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપત બોદરએ પણ 30 જૂને પત્ર લખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સમક્ષ માંગ કરી હતી. તેમની દલીલ છે કે આ એરપોર્ટની ઘોષણા રૂપાણીના મુખ્યમંત્રી પદના સમયમાં થઈ હતી, અને તેમનું નામ આપવું યોગ્ય માનવંદન હશે.

Share This Article