Supplementary exam result: પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર: વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી
Supplementary exam result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ 12 સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2025માં લેવાયેલી નિયમિત પરીક્ષામાં નાપાસ થયેલા તેમજ ગુણ સુધારવા ઇચ્છનારા વિદ્યાર્થીઓ માટે જૂનમાં યોજાયેલી આ પરીક્ષાનું પરિણામ 12 જુલાઈ, 2025ના રોજ જાહેર થયું છે. પરિણામ અનુસાર કુલ 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
6,978 વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી
આ પરીક્ષામાં કુલ 19,251 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 16,789 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. તેમના પૈકી 6,978 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે અને 41.56 ટકા થાય છે. આ પરિણામે વિજ્ઞાન પ્રવાહના ઘણા વિદ્યાર્થીઓ માટે નવો અભ્યાસ માર્ગ ખુલ્યો છે.
જુદા-જુદા ગ્રુપનું પરિણામ
A ગ્રુપ: 46.32% વિદ્યાર્થી પાસ
B ગ્રુપ: 40.47% વિદ્યાર્થી પાસ
AB ગ્રુપ: 37.50% પરિણામ
આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે A ગ્રુપના વિદ્યાર્થીઓમાં સફળતાનો દર થોડો વધુ રહ્યો છે, જ્યારે AB ગ્રુપમાં સૌથી ઓછું પરિણામ નોંધાયું છે.
પરિણામ સુધારવા બેઠેલા 5,735 વિદ્યાર્થીઓ સફળ
આ પૂરક પરીક્ષામાં 7,547 એવા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો જેમણે માર્ચની પરીક્ષામાં પાસ થઈ ગયા હતા પણ પોતાના ગુણ સુધારવા માંગતા હતા. તેમમાંથી 5,735 વિદ્યાર્થીઓએ પોતાના પરિણામમાં સુધારો કર્યો છે, જ્યારે 1,812 વિદ્યાર્થીઓને સુધારો થઈ શક્યો નહતો.
નવો અવસર, નવી શરૂઆત
આ પરિણામ સાથે જ હજારો વિદ્યાર્થીઓને નવી શૈક્ષણિક યાત્રાની તક મળી છે. જેઓ પોતાનું વર્ષ ગુમાવવાનો ભય અનુભવી રહ્યા હતા, તેઓ હવે ફરીથી પોતાની કરિયર તરફ આગળ વધી શકે છે. બોર્ડ દ્વારા જારી કરાયેલ આ પરિણામો વિધાર્થીઓ માટે આશાનું સંકેત લઈને આવ્યા છે.