Maha Kumbh Mela 2025 : મહા કુંભમેળા માટે ખાસ: અમદાવાદથી પ્રયાગરાજ માટે સીધી ફ્લાઈટ શરૂ, વધુ 3 વિશેષ ટ્રેનોની વ્યવસ્થા
મહા કુંભમેળા માટે ટ્રેનોની વિશેષ વ્યવસ્થા
પશ્ચિમ રેલવે દ્વારા નવી ટ્રેનોને શરૂ કરવામાં આવશે
અમદાવાદ, શનિવાર
Maha Kumbh Mela 2025 : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી, 2025થી શરૂ થનાર મહા કુંભમેળા માટે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો યાત્રા માટે ઉત્સુક છે. આ દિવ્ય મેળામાં ભાગ લેવા માટે ગુજરાતીઓ માટે પરિવહનના અનેક વિકલ્પો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આમાં ખાસ કરીને 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી રાઉન્ડ ટ્રીપમાં અમદાવાદથી પ્રયાગરાજ માટેની દરરોજ ફ્લાઈટ મુસાફરોને મળશે.
પ્રયાગરાજ માટે દરરોજ ફ્લાઈટની માહિતી
12 જાન્યુઆરી, 2025થી સ્પાઈસજેટ એરલાઈન્સ દ્રારા શરૂ થનાર ફ્લાઈટ SG655 સવારે 8:10 કલાકે અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ કરશે અને 1 કલાક 45 મિનિટમાં સવારે 9:55 કલાકે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. આ સાથે, SG658 ફ્લાઈટ સાંજે 4:30 કલાકે પ્રયાગરાજ થી ટેકઓફ કરીને સાંજે 6:45 કલાકે અમદાવાદ પર પાછી ફરશે.
આ ફ્લાઈટ માત્ર રાઉન્ડ ટ્રિપ માટે ઉપલબ્ધ હશે. ભાડું રૂ. 7,000 થી 20,000 સુધીના રહેવાની શક્યતા છે, જે સમય અને ડિમાન્ડના આધારે બદલાય શકે છે. ઉપરાંત 25 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન સ્પાઈસજેટ એક વધારાની ફ્લાઈટ પણ ઉડાન ભરશે, ખાસ કરીને રજાના દિવસે પ્રવાસની માંગને ધ્યાનમાં રાખી.
મહા કુંભમેળા માટે ટ્રેનોની વિશેષ વ્યવસ્થા
મહા કુંભમેળા દરમિયાન મુસાફરોની વધારાની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા નવી ટ્રેનોને શરૂ કરવામાં આવશે:
મુંબઈ સેન્ટ્રલ-લખનૌ વન-વે સ્પેશિયલ (ટ્રેન નંબર 09011):
6 જાન્યુઆરીના રોજ સવારે 11:00 કલાકે મુંબઈ સેન્ટ્રલથી જતી આ ટ્રેન બીજા દિવસે લખનૌ પહોંચશે.
ભાવનગર ટર્મિનસ-લખનૌ વન-વે સ્પેશિયલ (ટ્રેન નંબર 09235):
8 જાન્યુઆરીના રોજ રાત્રે 8:20 કલાકે ભાવનગરથી ચાલતી આ ટ્રેન શુક્રવારે લખનૌ પહોંચશે.
સાબરમતી-લખનૌ વન-વે સ્પેશિયલ (ટ્રેન નંબર 09469):
6 જાન્યુઆરીના રોજ સવારે 11:00 વાગ્યે સાબરમતીથી ઉપડતી આ ટ્રેન બીજા દિવસે લખનૌ પહોંચશે.
અન્ય વિશેષ ટ્રેનો અને સહેલાઇથી ઉપલબ્ધતા
ઉધના, વલસાડ, સાબરમતી, અને ભાવનગર જેવા સ્ટેશનો પરથી પણ મહા કુંભમેળા માટે વિવિધ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત થઈ છે. આ ટ્રેનો IRCTC વેબસાઈટ અને PRS કાઉન્ટર પર બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે.
આ આયોજન, ગુજરાતના યાત્રીઓને મહા કુંભમેળાની યાત્રાને સરળ અને સગવડભરી બનાવશે.