મિનાર, તાજ લાલકિલા હૈ ખૂલા સબૂત,
ઈન્સાફ સે ભરી હૈ અદાલત વરક-વરક.
માઝી કી દાસ્તાન કભી પૂછ વકત સે,
તારીખ દે રહી હૈ શહાદત વરક વરક.
સવાર પડીને છાપા વાંચો કે ટીવીચેનલો જૂઓ તો પ્રગાઢતાથી ખ્યાલ આવી જાય છે કે દર બીજા ન્યૂઝ મુસ્લિમ સંબંધિત હોય છે.એક તારણ અનુસાર સરેરાશ પાંચ સમાચારોની વચ્ચે બે સમાચાર તો મુસ્લિમ કે ઈસ્લામ સંબંધિત હોય જ છે.
લોકસભાની ચૂંટણીનું જ્વર જોરમાં છે. પ્રચારનું બ્યૂગલ ફૂંકી દેવામાં આવ્યું છે. મુદ્દાઓ બદલાયા નથી પણ મુદ્દાઓને નવા વાઘા પહેરાવી દેવામાં આવ્યા છે. કોમી વૈમનસ્યતા અને ઘર્મ આધારિત મુદ્દાની જ બોલબાલા છે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિકસ સહિત ડીજીટલ મીડિયામાં પણ ધર્મ આધારિત રાજકારણને પોષતા મુદ્દાને સતતને સતત ઉછાળવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયાએ તો હદ કરી નાંખી છે.
હવે ભાજપે પોતાના અસ્સલ હિન્દુત્વના એજન્ડાને ફરી સપાટી પર મૂક્યો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટીકીટ આપવાનો આશય સીધી રીતે ભાજપે કટ્ટર હિન્દુત્વની લાઈન પકડી હોવાની પ્રતિત કરી જાય છે. આગળ વધીએ તો રાષ્ટ્રીય નેતાઓના સ્પીચમાં પણ કોમી એકતાની ભાવનાના બદલે ક્યાંકને ક્યાંકથી પ્રતિકાત્મક રીતે ધર્મ આધારિત વાતો કરી મતદારોને રિઝવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેટલાક નેતાઓએ હદ વટાવી નાંખી છે. મહિલાઓ કે અન્ય પક્ષના નેતાઓ વિશે આડેધડ અને ઉભડક-ઉભડક અલેલટપ્પુ જેવી ભાષા બોલીને માત્ર પોતાના ધર્મનું જ નહીં આખાય સમાજને નીચાજોણું થાય તેવા પ્રકારના નિવેદનો કરવામાં આવી રહ્યા છે.
મુસ્લિમ સમાજ સાયલન્ટ બની ગયો છે. કોંગ્રેસે ગુજરાતમાં સમખાવા પુરતી અને પરાણે પરાણે આપવી પડે તેવી રીતે એક ટીકીટ આપી છે, જ્યારે ભાજપે સીધી રીતે બાદબાકી કરી છે. જમ્મૂ-કાશ્મીરની વાત જૂદી છે. જ્યાં મુસ્લિમ જીતી શકે તેવી અનેકાનેક સીટ છે ત્યાં ભાજપ દ્વારા મુસ્લિમ ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા નથી.
હવે મુસ્લિમ સમાજ ચૂંટણીમાં શું કરશે? ભાજપ તરફ ઢળશે? કેટલાક મુસ્લિમો માને છે તે પીએમ તરીકે મોદીએ હજ ક્વોટા અને ટ્રીપલ તલાક મામલે જે નિર્ણય લીધા છે તે તર્ક સંગત છે જ્યારે કેટલાક મુસ્લિમો આનો વિરોધ કરી રહ્યા છે. મુસ્લિમ સમાજ વાડાબંધીમાં વહેંચાયેલો છે અને વાડાબંધી એટલી બધી ખૂંપી ગઈ છે એક પ્લેટફોર્મ પર આવવાની વાત તો દુર રહી જાય છે. પરંતુ ગુજરાતના મુસ્લિમો પાસે કોંગ્રેસ ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી. ભાજપ મુસ્લિમોને સહર્ષ સ્વીકારી શકતો નથી તો કોંગ્રેસ સ્વીકારવાનો દેખાડો કરતી આવી છે. ચોક્કસ લોકોની ફરતે કોંગ્રેસની મુસ્લિમ નેતાગીરી વિંટળાઈ ગઈ છે.
ગુજરાતના મુસ્લિમોને શું મળ્યું? મુસ્લિમ સમાજમાં હાલ જેટલા ટકા પણ સધ્ધરતા છે તે સમાજે કોઈ રાજકીય આશ્રય કે સરકારની મદદ વિના હાંસલ કરેલી છે. માઈ-બાપ વિનાનો મુસ્લિમ સમાજ સાચા સેવકની રાહ જોઈ રહ્યો છે. કોંગ્રેસની વોટબેન્કના નામે વર્ષોથી ગાળ ખાતો આવેલો સમાજ હવે ઉબાઈ ગયો છે. કોંગ્રેસને ચાન્સ પર ચાન્સ આપ્યા છે, નવી પેઢી કરવટ બદલી રહી છે. છતાં પણ ગુજરાતના મુસ્લિમ સમાજ પાસે ઝાઝા વિકલ્પો ન હોવાથી બે પાર્ટીમાંથી પસંદગી કરવાની હોવાથી સીધી રીતે કોંગ્રેસને બખ્ખા થઈ જાય છે.
ભાજપ જો સરકાર કે મુખ્ય સંગઠનમાં મુસ્લિમો પ્રત્યે થોડી ધણી ઉદારતા દાખવે તો આ સ્થિતિ બદલાઈ શકે છે. ગુજરાતમાં ભાજપનું લઘુમતિની શાખા ચાલે છે પણ તેમાં કોઈ નિમણૂંકો થતી નથી. માત્ર બે પાંચ લોકોથી લઘુમતિ મોરચાનું સંગઠન હાંકવામાં આવે છે. ભાજપે પણ સમયની સાથે બદલાવ કરવાની જરૂર રહે છે.
કોંગ્રેસ પાસે મુસ્લિમ નેતાગીરીનો ઝૂંડ છે અને ઝાઝા રસોઈયા રસોઈ બગાડે તેવી કોંગ્રેસની રસોઈ દર વખતે એટલિસ્ટ ગુજરાતમાં પણ બગડી જ જાય છે. કોંગ્રેસમાં મુસ્લિમ સમાજની સેકન્ડ કેડરની નેતાગીરી ઉભી જ થવા દેવામાં આવી નથી. મૌલ્વી-મુલ્લાઓના ભરોસે કોમને છોડી દેવામાં આવી છે. આ બહુ જ ચિંતાજનક કામ છે. સમાજને આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે રાષ્ટ્રીય પ્રવાહ સાથે તાલમેલ રાખવાનું હોય તો સાચમ સાચ સૂત્રધારોના હાથમાં સૂકાન હોવું અત્યંત આવશ્યક છે. બાકી આજનો મુસ્લિમ તો મઝધારે ઉભો છે અને તોફાનની શમી જવાની રાહ જોઈ રહ્યો છે.