પાછલા કેટલાક વર્ષોથી ઉનાળો શરૂ થતાં જ લાખો વલસાડવાસીઓને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. 2012થી અબ્રામા વૉટરવર્ક્સમાં ઉનાળા સમયે પાણી ઘટી જવાની અનેકો ફરિયાદ નોંધાઇ છે છતાં જે-તે સમયનાં ચૂંટાયેલા પાલિકા પ્રમુખ એન્જિનિયરને માત્ર રૂપિયા ક્યાંથી મળે અને પોતાનો રાજકીય રોટલો કેમ શેકાય તેમાં વધારે રસ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. ઉનાળા દરમિયાન પાણીનો કકળાટ એટલો બધો વધી જાય છે કે લોકોને પાણી માટે ભટકવાનો વારો આવે છે. હવે ફરી એક વાર અબ્રામા ડેમ ખાલી થઈ ગયો છે. 2019માં પણ ડેમની હાલત જોતાં વરસાદ વરસે ત્યાં સુધી વલસાડના માથે પાણીનો કકળાટ જ લખાયેલો હોવાનું જણાઈ આવી રહ્યું છે.
એક તરફ પાણી ખલાસ થઈ ગયું છે અને બીજી તરફ પાણી બચાવોની બૂમો પાડતા વલસાડ પાલિકાના પ્રમુખ પંકજ આહીર અને ચીફ ઓફિસર જે.યુ.વસાવાની સરેઆમ નિષ્ફળતા ઉધાડી પડી રહી છે.અબ્રામા ડેમમાં પાણીના લેવલને ઉંચું રાખવા માટેની કોઈ યોજવા અત્યાર સુધી ધ્યાને આવી રહી નથી. ડેમમાં પાણીની સપાટીને મેઈનટેઈન રાખવા માટેના તસુભાર પ્રયાસો પણ નજરે પડી રહ્યા નથી.
વલસાડના વિપક્ષોની હાલત પણ બૂમબરાડા પાડવા સિવાયની જણાતી નથી. આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળતા વિપક્ષો માટે તો સાંપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વલસાડ નગરપાલિકાના કે સરકારી ખાતાના એક પણ અધિકારીએ કાયમી નિકાલ માટે કોઈ પણ જાતના પગલા ભર્યા નથી, જેના લીધે આવનાર પેઢી પીવાના પાણીની તંગીને લઈ ગંભીર સમસ્યામાં સપડાઈ જવાની દહેશત અસ્થાને લેખી શકાય નહીં.
આ ઉપરાંત ડેમની બરાબર બાજુમાં આવેલી નાઈટેટ્ર કંપની શહેરને મળે એટલું પાણી રોજ ઉલેચી રહી છે, તેમ છતાં પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર માત્ર નોટિસ પાઠવી સંતોષ માનીને બેસી રહ્યા છે અને વિપક્ષના ચૂંટાયેલા સભ્યો મોબાઈલ લઈ ડેમ પર વીડિયો કે ફોટો પાડી સોશિયલ મીડિયા પર અપલોડ કરી પોતાની ચામડી બચાવી રહ્યા છે. ડેમની અંદર આખા શહેરને 10મિનિટ પણ પાણી અપાઈ એટલું પાણી ન હોય તો પાલિકા પ્રમુખ પંકજ આહીર અને ચીફ ઓફિસર જે.યુ.વસાવા એ પોતાની ગાદી છોડી દેવી જોઈએ અને બંને એટલા પ્રયાસ શહેરની જનતાને પાણી મળે તેની માટે રાત-દિવસ એક કરી પાણીની સમસ્યા માટે કાયમી નિકાલ લાવે એ જરૂરી બન્યું છે, એવું રાજુ મરચાએ કહ્યું છે.