ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર મોટો રાજકીય હુમલો કરી આરોપ મૂક્યો છે કે પુલવામા હુમલો ગોધરાકાંડ જેવું જ ભાજપનું ષડયંત્ર હતું. તેમણે કહ્યું કે પુલવામા હુમલામાં જે ગાડીમાં આરડીએક્સ લાવવામાં આવ્યો હતો. તે ગાડીનું રજિસ્ટ્રેશન નંબર ગુજરાતનું હતું. ગોધરાકાંડ પણ ભાજપનું ષડયંત્ર હતું અ પુલવામા પણ ભાજપનું ષડયંત્ર હતું. ચૂંટણી જીતવા માટે ભાજપ આતંકવાદનો સહારો લઈ રહ્યું છે. પાછલા પાંચ વર્ષમાં મોટા આતંકવાદી હુમલા થયા છે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઈક પણ ભાજપના ષડયંત્રનો ભાગ હતી. બાલાકોટમાં કોઈ પણ માર્યો ગયો નથી. ઈન્ટરનેશનલ એજન્સી પણ સાબિત કરી શકી નથી કે બાલાકોટમાં 200 આતંકીઓ માર્યા ગયા છે. ગુપ્તચર બાતમી હોવા છતાં સરકારે જવાનોની રક્ષા માટે કોઈ પગલા ભર્યા ન હતા. સરાકર પાસે માહિતી હતી તો પુલવામા અટેક પહેલાં આતંકી અડ્ડાઓ પર કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં.
ભાજપ પર પ્રહાર કરતા શંકરસિંહે પત્રકારો સમક્ષ કહ્યું કે ભાજપનો ગુજરાત મોડલ ભ્રામક છે. ગુજરાતમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે. ખુદ ભાજપના કેટલાક નેતાઓ નારાજ છે. તેમને લાગે છે કે તેઓ રોજમદાર કામદારો છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં ભાજપે 2014ની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક હાંસલ કરી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ અને સાથી પક્ષો ભાજપને જોરદાર ટક્કર આપી રહ્યા છે.