વલસાડ જિલ્લાના મૂળ મગોદના હાલ તીથલ રોડ, વલસાડ ખાતે રહેતા સુચિત દેસાઇ ઇંગ્લેન્ડની માઇન્ડ મેન્ટલ હેલ્થ ચેરીટીના ISLE Wight Ultra challenge માં ૧૦૬ કીમી ચાલવાની હરીફાઇ ૨૬ કલાક ૫ મીનીટમાં પૂર્ણ કરી દુનિયાભરમાં ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યુ છે.
સુચિત દેસાઇ શ્રીમતી ગીતાબેન અને પરેશભાઇ દેસાઇના સુપુત્ર છે. જેઓ મૂળ મગોદના રહેવાસી છે અને હાલ તીથલ રોડના, વલસાડ ખાતે રહે છે. સુચિત દેસાઇએ ઇંગ્લેન્ડની માઇન્ડ મેન્ટલ હેલ્થ ચેરીટીના ISLE Wight Ultra challenge માં તા.૦૪/૦૫/૨૦૧૯ ના રોજ ૧૦૬
કી.મી અવિરત ચાલવાની હરીફાઇ યોજાઇ હતી. આ હરિફાઇમાં ૧૭૫૦ વ્યકિતઓએ ભાગ લીધો હતો. સુચિત દેસાઇએ આ હરીફાઇ ૨૬ કલાક ૦૫ મીનીટમાં પુરી કરી ચેરીટી માટે ફંડ ભેગુ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
સુચિત દેસાઇ હાલ એલીસ ઇન્સ્યુરન્સ કંપની માંચેસ્ટરમાં ચાર્ટર ઇન્સ્યુરન્સ તરીકે ફરજ બજાવે છે. જે અંતર્ગત ક્રિકેટ, બેઝબોલ, ગોલ્ફ વિગેરે રમતોમાં પણ ભાગ લઇ રહ્યા છે. અગાઉ પણ તેમણે ૨૦૧૪માં લંડન મુકામે મેરેથોન દોડમાં પણ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત ૧૫ હજાર ફુટ સ્કાય ડાયવિંગ, ૨૪ માઇલ ઉતાર- ચઢાવ વાળા રસ્તે ચાલવાની હરીફાઇ વગેરે રમતોમાં પણ ભાગ
લીધો છે.
સુચિત દેસાઇ વલસાડની સેન્ટ જોસેફ હાઇસ્કૂલથી ધોરણ-૧૨ પાસ કર્યો હતી. મેનેજમેન્ટ સ્ટડીઝ ભાંડુપ-મુંબઇની રત્નમ કોલેજમાં અભ્યાસ બાદ બ્રેડફોર્ડ યુનીવર્સીટી, યુ.કે.માં માસ્ટર ઇન ફાઇનાન્સની ડીગ્રી ૨૦૦૮માં મેળવી છે. સુચિત દેસાઇ આવી પ્રવૃતિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે પત્ની જેનીફર, કુટુંબીજનો અને મિત્રોનો મહત્તમ ફાળો માને છે.