sesame farming tips : તલનું યોગ્ય વાવેતર કરવા માટે કૃષિ નિષ્ણાતની જરૂરી ટિપ્સ
તલનું વાવેતર ચીકણી અથવા પાણી ભરાઈ રહે તેવી જમીનમાં કરવું ટાળો, અને સારી નિતારવાળી ગોરાડુ કે મધ્યમ કાળી જમીનમાં જ કરો
વાવેતર કરતા પહેલા બીજ દીઠ 3 ગ્રામ મેંકોઝેબ ફૂગ નાશક દવાનો ઉપયોગ કરી તલના પાકને રોગમુક્ત રાખો
sesame farming tips : તલ એ એક મહત્વપૂર્ણ તેલીબિયાં પાક છે, જેનો ખાદ્ય ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. ભારતના મુખ્ય તલ ઉગાડનારા રાજ્યોમાં ગુજરાત મોખરાના સ્થાન પર છે, સાથે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ તલનું વિપુલ વાવેતર થાય છે. ટૂંકા ગાળાના પાક તરીકે પ્રખ્યાત તલને મુખ્ય પાક ઉપરાંત મિશ્ર કે આંતરપાક તરીકે પણ સરળતાથી ઉગાડી શકાય છે. તલની સફળ ખેતી માટે ખેડૂતો કઈ બાબતોનું ધ્યાન રાખે તે અંગે બોટાદના જાણીતા કૃષિ નિષ્ણાત હીરજી ભીંગરાડિયાએ માર્ગદર્શન આપ્યું છે.
તલ વાવેતર માટે યોગ્ય સમય અને જમીન
હીરજીભાઈના જણાવ્યા મુજબ, તલનો પાક વધારે ભેજ સહન કરી શકતો નથી. ઉનાળુ તલ ઉગાડવા માટે સારી નિતારવાળી ગોરાડુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ યોગ્ય માનવામાં આવે છે. ચીકણી અથવા પાણી ભરાઈ રહે તેવી જમીન તલના પાક માટે યોગ્ય નથી. વાવેતર પહેલાં જમીનની તૈયારી ખૂબ મહત્વની છે. જૂના પાકના અવશેષ દૂર કરી જમીનને ઊંડી ખેડ સાથે વાવવી જોઈએ, જેથી જમીન ભરભરી અને સમતળ બને.
દરિયાકાંઠા વિસ્તારમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં અને અન્ય વિસ્તારોમાં ત્રીજા અઠવાડિયામાં વાવેતર કરવું અનુકૂળ રહે છે. તલના બીજ ઉગવા માટે ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આવશ્યકતા છે, કારણ કે ઠંડા તાપમાને તલના ઉગાવ પર પ્રતિકૂળ અસર પડે છે.
તલ વાવેતર કરવાની પદ્ધતિ
તલના વાવેતર માટે બે પદ્ધતિ પ્રચલિત છે:
ગારવીની પદ્ધતિ: વાવેતર પહેલાં જમીન ગારવીને ખેડવી અને પછી તલના બીજ જમીનની સપાટીથી અડધા સેન્ટીમીટરના ઊંડાણે રોપવા જોઈએ.
ઝીણી રેતી સાથે બીજ ભેળવીને: ઓટોમેટિક વાવણીયાંની મદદથી પણ તલનું વાવેતર સરળતાથી થઈ શકે છે. વાવેતર બાદ તરત પિયત આપવું જરૂરી છે, જેથી પાકનો આરંભ મજબૂત થાય.
તલના બિયારણની પસંદગી
ઉનાળુ તલ માટે વિવિધ જાતો ઉપલબ્ધ છે:
સફેદ તલ માટે: ગુજરાત તલ 2, ગુજરાત તલ 3, ગુજરાત તલ 5 અને ગુજરાત તલ 6
કાળા તલ માટે: ગુજરાત તલ 10
આ પ્રભાવશાળી જાતો ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન આપે છે. બીજ વાવ્ય પહેલા, 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ મેંકોઝેબ 75% ફૂગ નાશક દવાનો પાતળો સ્તર લગાવવાથી પાકને ફૂગજન્ય રોગોથી સુરક્ષિત રાખી શકાય છે.
તલના પાક માટે આ વિગતવાર માર્ગદર્શક સૂચનો અનુસરવાથી ખેડૂતોએ વધુ ઉપજ મેળવી શકે છે, અને પાકના ગુણવત્તાયુક્ત વિકાસમાં સફળ થઈ શકે છે.