Vahali dikari Yojana : 2.78 લાખ દીકરીઓના સપનાને ઉડાન: ગુજરાત સરકારે ખોલ્યો 3000 કરોડનો પટારો
‘વહાલી દીકરી યોજના’ દ્વારા 2.78 લાખથી વધુ દીકરીઓને 3000 કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી
18 વર્ષની ઉંમરે, ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય માટે દીકરીઓને રૂ. 1 લાખ આપવામાં આવે
Vahali dikari Yojana : દીકરીઓએ સમાજમાં પોતાનું મહત્વ સ્પષ્ટ કરી દરેક ક્ષેત્રમાં પોતાના અને દેશના નામને ગૌરવપૂર્ણ બનાવ્યું છે. દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા અને સ્ત્રીભ્રૂણ હત્યા રોકવા માટે, ગુજરાત સરકારે વર્ષ 2019માં ‘વહાલી દીકરી યોજના’નો પ્રારંભ કર્યો હતો. આ યોજનાથી 2.78 લાખથી વધુ દીકરીઓને 3000 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા કન્યા કેળવણી અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયાના પ્રયત્નોથી વધુ ગતિ મળતી જોવા મળી છે. દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.
વહાલી દીકરી યોજનાનો ધ્યેય અને લાભ
વર્ષ 2019થી શરૂ થયેલી આ યોજનાના પ્રારંભથી આજ સુધી 3 હજાર કરોડથી વધુની સહાય મંજૂર થઈ છે. 2019-20માં 12,622 દીકરીઓ, 2020-21માં 32,042, 2021-22માં 69,903, 2022-23માં 55,433, 2023-24માં 67,012 અને 2024-25માં 41,649 દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.
આ યોજના મુજબ, 2 ઓગસ્ટ 2019 પછી જન્મેલી પ્રથમ ત્રણ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે, જો કે, માતા-પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ.
સહાયની વિતરણ પદ્ધતિ
પ્રથમ હપ્તો: દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ સમયે 4000 રૂપિયા મળે છે.
બીજો હપ્તો: નવમા ધોરણમાં પ્રવેશ સમયે 6000 રૂપિયા ચૂકવવામાં આવે છે.
ત્રીજો હપ્તો: 18 વર્ષની ઉંમરે, ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયા અપાય છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર પરિવારો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં સંપર્ક કરી શકે છે અથવા ગ્રામ પંચાયતના VCE દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
વહાલી દીકરી યોજના ગુજરાત સરકારની દીકરીઓ માટેનું પ્રેમાળ અને સશક્તિકરણ ભરી પગલું છે, જે ભવિષ્યમાં દીકરીઓના વિકાસ માટે ઉત્તમ માળખું ઉભું કરે છે.