Gujarat High Court: પોલીસ બેડામાં PSI અને કોન્સ્ટેબલની ભરતીમાં મોડું કેમ? હાઈકોર્ટનો સવાલ અને પોસ્ટવાઈઝ કેલેન્ડરની માગ
ગુજરાત હાઈકોર્ટે તમામ કેડર માટે ભરતી પ્રક્રિયાનું ચોક્કસ કેલેન્ડર રજૂ કરવા આદેશ આપ્યો
PSI માટેની 475 જગ્યાઓ ભરવામાં આવતી હોય, તે માટે કોન્સ્ટેબલ જેવી લાંબી સમયમર્યાદા કોર્ટને અસ્વીકાર્ય લાગી
અમદાવાદ, શુક્રવાર
Gujarat High Court: ગુજરાતમાં પોલીસ વિભાગમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અંગે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનવણી થઈ છે. દેશના અનેક રાજ્યોમાં તોફાનથી થતા જાનમાલના નુકસાનને લઈને પોલીસની ભૂમિકા અને ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અંગે 2019ના સુપ્રિમકોર્ટના આદેશો અનુસાર હાઈકોર્ટે આ મુદ્દા પર સુઓમોટો પિટિશન દાખલ કર્યું હતું. આ પિટિશનમાં એવું જણાવાયું હતું કે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવી, વસ્તીગણતરી અનુસાર ભરતી કરવાની વ્યવસ્થા કરવી, પોલીસ કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી અને તોફાન કે અન્ય અનિશ્ચિત પરિસ્થિતિમાં જાહેર મિલકતોના રક્ષણ માટે નીતિ ઘડવી જરૂરી છે.
ચાલી રહેલી ભરતી પ્રક્રિયા
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સામે ચાલી રહેલી સુનવણી દરમિયાન, સરકારી વકીલે રજૂઆત કરી કે રાજ્યના પોલીસ વિભાગમાં કુલ 25,660 ખાલી જગ્યાઓ છે, જે પૈકી પ્રથમ તબક્કામાં 11,000 કરતાં વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. હાલ શારીરિક કસોટી ચાલી રહી છે, જેમાં 10 લાખ ઉમેદવારોનું નામ નોંધાયું છે. આ ભરતી માટેની લેખિત પરીક્ષા મે 2025 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.
બીજા તબક્કાની ભરતી
ભરતીની બાકીની જગ્યાઓ માટેની પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે. હાઈકોર્ટના એમીકસ ક્યુરીએ પ્રશ્ન ઉઠાવ્યો કે 11,000 જગ્યાઓમાં PSI માટે માત્ર 475 જગ્યાઓ કેમ છે? અને PSI ની ભરતીમાં એટલો જ સમય કેમ લાગશે જેટલો કોન્સ્ટેબલ માટે લાગે છે? કોર્ટે સરકારને દરેક કેડર માટે ચોક્કસ તબક્કાવાર અને સમયમર્યાદાવાળી ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર રજૂ કરવા આદેશ આપ્યો છે.
ટ્રેનિંગ સેન્ટર અને બઢતીની સ્થિતિ
હાલમાં રાજ્યમાં પાંચ સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે, અને છઠ્ઠું સેન્ટર ખેડા જિલ્લાના કઠલાલ ખાતે બનાવાઈ રહ્યું છે, જેનું 40% કામ પૂર્ણ થયું છે. આ સેન્ટરમાં 2,500 જેટલા પોલીસ જવાનોને તાલીમ આપી શકાય છે. આ ઉપરાંત 20 જિલ્લા સ્તરીય ટ્રેનિંગ સેન્ટર અને 14 SRPF સેન્ટર પણ આ પ્રક્રિયામાં સામેલ છે.
બેંચને સરકારી વકીલે વધુમાં જણાવ્યું કે પીઆઇ (મોટર ટ્રાન્સપોર્ટ), પીએસઆઇ (વાયરલેસ અને ટ્રાન્સપોર્ટ) તેમજ એએસઆઇના કેટલાક કેડર માટે અનુરૂપ અને અનુભવી ઉમેદવારો મળતા નથી, જેના કારણે ખાલી જગ્યાઓ પૂરવામાં મોડું થાય છે.
આગળની સુનવણી
કોર્ટે સરકાર પાસે ભરતી પ્રક્રિયાના બાકીના તબક્કા માટેની વિગત માંગ્યા બાદ વધુ સુનવણી 14 ફેબ્રુઆરી 2025ના રોજ રાખવામાં આવી છે.
આ પ્રોસેસમાં, સરકારને સુપ્રિમકોર્ટના નિર્દેશો અનુસાર તમામ પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે, જેથી રાજ્યના પોલીસ બેડાની મજબૂતાઈ વધે અને જનસુરક્ષા માટે કાર્યવાહી ઝડપથી થઈ શકે.