Patidar Agitation Case: પાટીદાર આંદોલન કેસ મામલે કિરીટ પટેલનો આક્ષેપ: સરકારએ 2015માં જ વચનો પૂરા કરવા જોઈતા હતા!
કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે 2015માં જ પાટીદાર આંદોલનના કેસો પરત લેવા હતા
તેમણે સરકાર પાસે કેસોની સંખ્યા પર સ્પષ્ટતા માગી
પાટણ, શુક્રવાર
Patidar Agitation Case: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાટીદાર આંદોલન સંબંધિત કેસો પરત ખેંચવા મુદ્દે સરકાર પર મહત્વપૂર્ણ આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે 2015માં જ સરકારએ આ કેસો પરત ખેંચવાની જાહેરાત કરી હતી, પણ યોગ્ય સમયે કાર્યવાહી ન થતાં, ઘણાં પાટીદારોને વર્ષો સુધી કાનૂની લડત લડવી પડી.
તેમણે નોંધ્યું કે પાટીદાર આંદોલનને લગભગ 10 વર્ષ થઈ ગયા છે, અને આ સમયગાળા દરમિયાન મોટાભાગના કેસો પૂર્ણ થઈ ચૂક્યા છે. પાટણમાં ત્રણ કેસોમાં 60-70 જેટલા આરોપીઓ નિર્દોષ સાબિત થઈ ચૂક્યા છે. કિરીટ પટેલે માંગણી કરી કે સરકાર દ્વારા જાહેર રીતે સ્પષ્ટતા કરવી જોઈએ કે ગુજરાતમાં કુલ કેટલા કેસ નોંધાયા, કેટલા સમાપ્ત થયા અને કેટલાં વાસ્તવમાં પરત લેવામાં આવ્યા.
તેમણે કહ્યું કે પાટીદાર આંદોલન દરમિયાન ત્રણ મુખ્ય વચનો આપવામાં આવ્યા હતા: કેસો પરત ખેંચવા, શહીદ પરિવારોને 35 લાખનું વળતર આપવું, અને પરિવારના એક સભ્યને સહકારી સંસ્થામાં નોકરી આપવી. પરંતુ તેમણે આક્ષેપ કર્યો કે સરકારે આજદિન સુધી એક પણ વચન પૂર્ણ કર્યું નથી.
તેમણે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાના ટ્વીટનો ઉલ્લેખ કરીને સરકાર પાસે સ્પષ્ટતા માગી છે. તેમનું માનવું છે કે જો સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તો આ દાવાઓની વિશ્વસનીયતા પર સવાલ ઉઠે છે.