Farmer in Gujarat : મગફળીના ભાવ ગગડ્યા: ખેડૂતોને 20 કિલોએ 500 રૂપિયાનો ફટકો!
મગફળીના ઘટતા ભાવને કારણે ખેડૂતોને એક મણ દીઠ 300 થી 500 રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું
સરકાર તમામ મગફળી ટેકાના ભાવે ખરીદે તો ખેડૂતોને આર્થિક રાહત મળી શકે
Farmer in Gujarat : સૌરાષ્ટ્રમાં મગફળીના ઉત્પાદનની મોટા પ્રમાણમાં થતી ખેતી માટે જાણીતા ખેડૂતો માટે આ વર્ષ મુશ્કેલ બની રહ્યું છે. મગફળીના ભાવમાં ઘટાડાને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, પરંતુ ખૂલ્લા બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકાર એક મણ મગફળી માટે 1356 રૂપિયાનો ટેકાનો ભાવ ચુકવી રહી છે, જ્યારે યાર્ડમાં ખેડૂતોને માત્ર 800 થી 1000 રૂપિયાના ભાવ મળી રહ્યા છે, જેનાથી એક મણ દીઠ 300 થી 400 રૂપિયાનો આર્થિક ફટકો પડી રહ્યો છે.
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના ખેડૂત વિનુભાઈ ડાયાભાઈ બાળધાએ જણાવ્યું કે, “મે 30 વિઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. 1000 મણ મગફળીનું ઉત્પાદન થયું, જેમાંથી 400 મણ મગફળી સરકારી ટેકાના ભાવે વેચી છે, પણ બાકી 600 મણ મગફળી જાહેર બજારમાં વેચવી પડી. યાર્ડમાં 800 થી 1000 રૂપિયાના ભાવે વેચાણ થાય છે, જેના કારણે મોટી ખોટ ઊભી થઈ છે. સરકાર જો તમામ મગફળી ટેકાના ભાવે ખરીદે, તો ખેડૂતોને નાણાકીય મદદ મળી શકે.”
અભરામપરા ગામના એક અન્ય ખેડૂત ભૌતિક નસીએ જણાવ્યું કે, “15 વિઘામાં મગફળી વાવ્યા બાદ 150 મણનું ઉત્પાદન થયું. ટેકાના ભાવે 1356 રૂપિયા મળે છે, પણ યાર્ડમાં વેચવામાં આવેલી મગફળી માટે માત્ર 845 રૂપિયા મળ્યા. તેથી એક મણ દીઠ 400 થી 500 રૂપિયાનો સીધું નુકસાન થયું છે. ખાતર અને બિયારણના ભાવ વધી રહ્યા છે, એવામાં ખેડૂતો માટે આ ભાવે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે.”
ગુજકોમાસોલના પ્રતિનિધિ હેનિષ રામાણીએ જણાવ્યું કે, “ગુજકોમસોલ દ્વારા અત્યાર સુધી 3.50 લાખથી વધુ બોરી મગફળીની ખરીદી થઈ ચૂકી છે. 4400 થી વધુ ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 3800 થી વધુ ખેડૂતોની મગફળી ખરીદાઈ ગઈ છે. 90 ટકા ખેડૂતોને ચુકવણી પણ થઈ ગઈ છે.”
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મગફળીના ઘટતા ભાવ મોટી ચિંતાનો વિષય બની રહ્યા છે. સરકાર જો તમામ મગફળી ટેકાના ભાવે ખરીદે, તો ખેડૂતોને મોટી રાહત મળી શકે.