TRP ગેમઝોન કેસમાં તમામ આરોપી પર ગંભીર કલમો યથાવત
ગયા વર્ષે મે મહિનામાં રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા, એ કેસમાં સુપ્રીમ કોર્ટએ અગત્યનો નિર્ણય આપ્યો છે. સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગરા સહિતના આરોપીઓએ મનુષ્યવધની કલમ દૂર કરવાની માગ સાથે દાખલ કરેલી અરજીઓને કોર્ટએ સ્પષ્ટપણે ફગાવી દીધી છે. આ નિર્ણયથી સમગ્ર કેસમાં આરોપીઓ પરની કાનૂની કાર્યવાહી વધુ ગંભીર દિશામાં આગળ વધશે.
ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ, આરોપીઓ સામે ગંભીર કલમો યથાવત
સુપ્રીમ કોર્ટએ નોંધ્યું કે આરોપીઓએ જાણતા હોવા છતાં ફાયર સેફ્ટીના મૂળભૂત નિયમોનું પાલન કર્યું નથી અને જાનહાનિનો ખતરો હોવા છતાં યોગ્ય પગલાં ન લીધા. આથી હવે પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયા, ગેમઝોનના માલિકો અને મેનેજરો તથા ફાયર વિભાગના અધિકારીઓ સામે મનુષ્યવધની ગંભીર કલમો યથાવત રહેશે. આ કલમોમાં આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે, જેના કારણે કેસનું ભારણ વધુ વજનદાર બની ગયું છે.
અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં પણ ફગાઈ હતી અરજી
આ કેસમાં અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટ આરોપીઓની જામીન અરજીઓ ફગાવી ચુક્યું હતું. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આરોપીઓને કોઈ કોર્ટથી રાહત ન મળતા તેમની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. આ અગ્નિકાંડમાં મોટા ભાગના મૃતકો બાળકો હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને લોકોમાં સુરક્ષા વ્યવસ્થાઓ પ્રત્યે ગંભીર સવાલો ઊભા થયા હતા.

