સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભીડ વ્યવસ્થાપન અંગે સત્તાવાળાઓને નિર્દેશોની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તાજેતરની નાસભાગમાં 200 થી વધુ લોકોના મોત થયા હતા.
જસ્ટિસ બીઆર ગવઈ અને પીકે મિશ્રાની બેન્ચે અરજદાર તરફથી હાજર રહેલા વકીલને પૂછ્યું કે, શું એવો કોઈ પુરાવો છે કે 200 લોકો માર્યા ગયા છે?
વકીલે દાવો કર્યો હતો કે રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગના અનેક વીડિયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યા હતા અને રેલવેએ ત્યાં હાજર સાક્ષીઓને નોટિસ ફટકારી છે.
બેન્ચે પૂછ્યું કે શું અરજદાર માને છે કે સંબંધિત સત્તાવાળાઓ આ મુદ્દાની અવગણના કરી રહ્યા છે. વકીલે કહ્યું કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમના યોગ્ય અમલીકરણ અને ભીડ વ્યવસ્થાપન માટે સંબંધિત નિયમો માટે અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજીને ફગાવી દેતા બેન્ચે કહ્યું કે અરજદાર પોતાની ફરિયાદ સાથે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. વકીલે કહ્યું કે અરજીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
19 ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટે રેલવેને વધુમાં વધુ મુસાફરોની સંખ્યા અને પ્લેટફોર્મ ટિકિટના વેચાણના મુદ્દાની તપાસ કરવા કહ્યું હતું. આ મુદ્દાઓ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તાજેતરની નાસભાગ અંગે દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં ઉઠાવવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે સંબંધિત સત્તાવાળાઓને તેમના સોગંદનામામાં આ મુદ્દાઓ પર લીધેલા નિર્ણયોની વિગતો રજૂ કરવા કહ્યું હતું.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીએ થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા. મહાકુંભ ચાલી રહેલા પ્રયાગરાજ જવા માટે યાત્રિકોની ભારે ભીડ જામી હતી.