PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી મોદીના ડિનર માટે ખાસ સુરતી સ્વાદ, જાણો શું છે મેનુ
PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાત પ્રવાસે છે, જેની શરૂઆત તેમણે સેલવાસથી કરી છે. તેઓ હાલમાં સેલવાસ પહોંચ્યા છે, જ્યાં થોડા સમય પછી રોડ શો અને જનસભાનું આયોજન થવાનું છે. પ્રધાનમંત્રી સેલવાસમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. આ દરમિયાન તેઓ એક અત્યાધુનિક હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને નમો હોસ્પિટલના બીજા તબક્કાના નિર્માણ માટે ભૂમિપૂજન કરશે. સેલવાસમાં સરગમ પૂરી કર્યા બાદ તેઓ સુરત જવા રવાના થશે, જ્યાં રાત્રિ રોકાણ કરશે.
સુરતમાં પીએમ મોદી માટે ખાસ ભોજન
સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિનર માટે પારંપરિક સુરતી ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં સાત્વિક અને હળવું ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરે છે. આ પ્રવાસ દરમિયાન પણ ગાંધીનગરના સર્કિટ હાઉસમાંથી ખાસ રસોઈયાઓની ટીમ સુરત પહોંચી છે, જે તેમના માટે ભોજન તૈયાર કરશે. વડાપ્રધાન માટે સુરતના સર્કિટ હાઉસમાં પંચકુટિયું શાક, બટાકાનું સૂકું શાક, ભાખરી, પુલાવ-કઢી, સાથે સુરતી લોચો, ઈડલી અને પાટુડી તૈયાર કરાશે, જે ભોજનમાં સુરતી સ્વાદનો ખાસ તડકો ઉમેરશે.
સુરત સર્કિટ હાઉસની વિશેષ તૈયારીઓ
પ્રધાનમંત્રી મોદી સુરત સર્કિટ હાઉસના ચોથા માળે રોકાશે, જે માત્ર તેમના માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. સુરત સર્કિટ હાઉસની સંપૂર્ણ સફાઈ અને નવી ડેકોરેશન કરવામાં આવી છે. રંગરોગાન અને લાઈટિંગથી સમગ્ર હાઉસને નવી ચમક અપાઈ છે.
ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે બપોરે સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ સીધા સેલવાસ જશે, જ્યાં સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલી માટે નવા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદી ગુજરાતની જનતાને કુલ ₹2587 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે.
સેલવાસ પછી તેઓ સુરત પરત ફરશે, જ્યાં રોડ શો અને એક વિશાળ જનસભાને સંબોધન કરશે. વડાપ્રધાન બન્યા પછી તેઓ ચોથી વખત દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે, જેના કારણે અહીં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી
વડાપ્રધાન મોદી સેલવાસમાં રુ. 2587 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ અહીં આધુનિક સુવિધાઓયુક્ત નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરશે અને આવાસ યોજનાના લાભાર્થીઓને નાણાકીય સહાય વિતરણ કરશે.
પીએમ મોદી દમણ ખાતે સી-ફ્રન્ટ રોડ પર 1.1 કિમી લાંબા ટોય ટ્રેન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જ્યારે દીવમાં પણ અનેક વિકાસ કાર્યોનો શુભારંભ કરશે. સેલવાસના જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન મોટી જનસભાને પણ સંબોધન કરશે.