62
/ 100
SEO સ્કોર
Holi Special હોળી પર પરંપરાગત આદિવાસી વાદ્ય ‘તુર-થાળી’ની ખરીદી માટે લવાછામાં વિશાળ મેળો
Holi Special હોળી આદિવાસીઓનો ખૂબ જ માનીતો અને આસ્થાનો તહેવાર છે. હોળીની વલસાડ જિલ્લામાં પણ ખુબ ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આદિવાસીઓ હોળી પહેલા ફાગણ સુદ એકમથી જ હોળીની ઉજવણીની તૈયારી શરૂ કરી દે છે. જિલ્લામાં અનેક સ્થળોએ હોળીના હાટબજાર અને મેળાઓ ભરાય છે. એવો જ એક હોળીના તહેવારની ઉજવણી કરતો મેળો એટલે વાપી તાલુકાના લવાછા ખાતે યોજાતો લાવાછાનો ‘હોળી મેળો’. આ મેળાની શરૂઆત શિવરાત્રિના અઠવાડિયા બાદ લવાછા ખાતે સ્થાનિક આદિવાસી હસ્ત કળાના કલાકારો તુરના વેચાણની શરૂઆત કરે છે.
‘તુર’ એ મૃદંગ વર્ગમાં આદિવાસીઓનું પરંપરાગત વાદ્ય છે. જેની હાથ બનાવટની કલાકારી આજે પણ સ્થાનિક કલાકારોએ જાળવી રાખી છે. ‘કાંસાની થાળી’ તુરની પુરક છે. ‘તુર અને થાળી’ એક સાથે વગાડવામાં આવે છે. તુર-થાળી આદિવાસીઓના પરંપરાગત અને મુખ્ય વાદ્યો છે.

લવાછા ખાતેના હોળી મેળામાં જ તુરનું વેચાણ થાય છે, અન્ય કોઈ મેળાઓમાં તુરનું વેચાણ જોવા મળતું નથી. અહીંના મેળામાં તુરના વેચાણ દ્વારા આદિવાસી કલાકારો રોજગારી મેળવે છે. એક તુર બનાવતા બે કલાકારોને સંપૂર્ણ એક દિવસ જેટલો સમય થાય છે. એક તુરનું વેચાણ આશરે રૂ.૮૦૦૦ થી રૂ.૧૦૦૦૦ માં થાય છે. રાજ્યના અનેક વિસ્તારોમાંથી તેમજ મુંબઈ જેવા મોટા શહેરોમાંથી પણ લોકો તુરની ખરીદી કરવા માટે આવે છે.
વારસાગત તુર બનાવટના વાઘછીપા ગામના કલાકાર ધીરુભાઈ નાથુભાઈ પરમાર છેલ્લા ૨૫થી વધુ વર્ષોથી તુરની હસ્તકળા સાથે જોડાયેલા છે. તેમણે તુર બનાવવાની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કળા વારસામાં મળી છે. પહેલા આ દાદા અને પિતાજી પણ તુર બનાવતા હતા. તુર બનાવવા માટે સૌપ્રથમ માટીનું એક નાનું અને એક મોટું એમ બે મુખ ધરાવતા કાંઠાની જરૂર પડે છે. એ કાંઠા ઉપર મૃત પશુનું સારી પેઠે કેળવેલું ચામડું લગાવવામાં આવે છે.

ચામડું ચડવવા પહેલા ચામડાને આશરે ૧૫ દિવસ સુધી ચુનાના પાણીમાં પલાળ્યા બાદ તેની સારી રીતે સફાઈ કરી કાપડ જેવું પાતળું કરવામાં આવે છે. તુર બન્યા બાદ બંને તરફના ચામડાના મધ્ય ભાગમાં ચોખાનો અડધો પકાવેલો રોટલો અને ડાંગરના પૂળાને સળગાવીને બનાવેલી રાખને ભેળવીને બનાવવામાં આવતું મીણ જેવું પદાર્થ ‘ભેંણ’ લગાવવામાં આવે છે. ‘ભેંણ’ લગાવવાથી તુરનો અવાજ ખુલે છે અને સરસ મિડીયમ રેન્જનો અવાજ આવે છે.

તુરનું વેચાણ કરનાર કલાકારોની સાથે સાથે અહીં તુર વગાડનારા કલાકારોને પણ રોજગારી મળે છે. આવા જ કલાકારો વિનોદભાઈ પટેલ અને ગુલાબભાઈ પટેલ જણાવે છે કે, તેઓ તુર-થાળીનું ગ્રાહકોને લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવે છે. તેઓ જુદા જુદા ચાળાઓના તાલે વિવિધ નૃત્યો કરે છે જેથી ગ્રાહકોને તુરના અવાજનો સ્પષ્ટ ખ્યાલ આવે. ડેમો બતાવવાનું એક તુરના વેચાણ પર રૂ.૫૦૦/- જેટલું મહેનતાણું મળે છે. આદિવાસી કળા જળવાઈ રહે તે માટે અહીં આવી ડેમો બતાવીયે છીએ અને રોજગારી પણ મળે છે.
આદિવાસી સંસ્કૃતિ વિસરાઈ ન જાય તે માટે હવે લોકો ડીજે છોડી પરંપરાગત વાદ્ય ‘તુર-થાળી’ તરફ વળ્યા છે. નાના બાળક – બાળકીઓ પણ તુર-થાળી વગાડતા શીખી રહ્યા છે. તેથી તુર-થાળી અને અન્ય પરંપરાગત વાદ્યોનો વધુ પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. જે તુર-થાળીના મહત્તમ વેચાણ પરથી જ જાણી શકાય છે.

આદિવાસી સંસ્કૃતિમાં તુર-થાળીનું મહત્વ
લગ્નપ્રસંગ, મરણપ્રસંગ, નવા ઘરની પુજા, કુળદેવી કનસેરી દેવીની પુજા, સાંસ્કૃતિક કાર્યક્રમો, તેમજ અન્ય ધાર્મિક વિધિઓમાં તુર-થાળી વગાડવાનું ખાસ મહત્વ છે. આ ઉપરાંત તહેવારોમાં હોળીના પ્રસંગે આ વાદ્યોનો ઉપયોગ આદિવાસીઓ કરે છે. તુર-થાળીમાં જુદા જુદા ચાળાના તાલે વિવિધ નૃત્યો કરવામાં આવે છે.