વલસાડના સિવિલ રોડ પર આવેલr વાંકી નદીના બ્રિજ કિનારે બેફામપણે બાંધકામ કરતા બિલ્ડર દ્વારા નદીના પટમાં જ સીધું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બિલ્ડરે નદીના પટમાં બાંધકામ કરી દીધું છે અને વલસાડ જિલ્લાના વહીવટી તંત્રના સરકારી બાબુઓ તમાશો જોઈ રહ્યા છે. એવું લાગે છે કે બિલ્ડરના ખોળે રમતા સરકારી બાબુઓની સીધી રહેમ નજર છે.
આખી વાંકી નદીમાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે એમ લાગે છે કે વલસાડના વહીવટી તંત્રના સરકારી બાબુઓ આંખે પાટા બાંધી, મોઢે પટ્ટી બાંધીને ચૂપચાપ પોતાની એસી ઓફિસમાં બેસીને તમાશો જોઈ રહ્યા છે.
સરકારી જમીનમાં અને કુદરતી નદીના વહેણને રોકનારા આવા બિલ્ડર સામે પગલાં ભરવાને બદલે સરકારી બાબુઓ બિલ્ડર સાથે વ્યવહાર કરી લેશે એવી આશંકા નકારી શકાતી નથી. વલસાડ શહેરમાં જો કોઈ ગરીબે પોતાના મકાનમાં એક પતરું પણ બહાર કાઢ્યું હોય તો ત્યાં સરકારી બુલડોઝર ફરી જાય છે પરતું ખાઈબદેલા નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓને નદીમાં પટમાં થઈ રહેલું બાધકામ નજરે પડી રહ્યું નથી કે પછી રીતસરના આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
નદીના પટમાં બાંધકામ કરનારા બિલ્ડર સામે કોઈ પગલાં ભરવામાં આવશે નહીં એવી શંકા નકારી શકાતી નથી. જો કોઈ કર્મચારી કે અધિકારી પગલાં ભરવાનો પ્રયાસ પણ કરતો હોય તો રાજકારણીઓ આ બિલ્ડર પર પોતાની છત્રછાયા રાખી ને જ બેઠા હોવાથી નોકરી જવાના ડરથી સરકારી બાબુઓના પણ હાથ ધ્રૂજે છે.
વાંકી નદીમાં બાંધકામ કરનાર બિલ્ડરના કામ સામે સરકારી તંત્રએ મૌન સેવ્યું છે. નદીનું બાંધકાન ન તો એ દમણ-ગંગા વિભાગને દેખાય છે, ન તો એ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ ને દેખાય છે, ન તો આર એન્ડ બી ને આ બાંધકામ દેખાય છે. વલસાડના નેતાઓને પણ આ બાંધકામ નજરે પડતું ન હોવાનું લાગી રહ્યું છે. તમામે તમામને શિવમ બિલ્ડરે કઈ રીતે ચૂપ કરી દીધા છે એ ચર્ચા ચાલી રહી છે. સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે કે બિલ્ડર દ્વારા સરકારી બાબુઓ, નેતાઓ, સંબંધિત વિભાગો સાથે મોટો ખેલ પાડી દેવામાં આવ્યો છે કે શું?
બિલ્ડર દ્વારા આખી નદીમાં બાંધકામ કરી લેવામાં આવી રહ્યું હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તો તેનો અર્થ એ થાય છે કે બિલ્ડરની સામે તંત્ર સીધી રીતે ઘૂંટણીયે પડી ગયું છે, અને તંત્ર જો આવી રીત ઘૂંટણીયે પડી જાય તો કાર્યવાહી થવા અંગે શંકા-કુશંકા જન્મી રહી છે. તંત્રે હવે આ અંગે કાર્યવાહી કરવાની રહે છે. નહિંતર તંત્ર સામે મોટા અને ગંભીર આક્ષેપો થયા વગર રહેશે નહીં.
બીજી તરફ આ બાંધકામને લઈ ચોમાસા દરમિયાન નદીનું વહેણ બદલાઈ જવાની પણ શક્યતા જોવા મળી રહી છે. અને ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે. પૈસા કમાવવાની લ્હાયમાં બિલ્ડરે મનફાવે તેમ બાંધકામ કરી નાખ્યું પરતું સરકારી બાબુઓએ પણ આંખ આડા કાન કરી લોકોની સમસ્યાઓ અંગે વિચાર સુદ્વા કર્યો નથી. એવું કહેવાય છે કે બિલ્ડરના કનેક્શન ગાંધીનગર સુધી ત્યારે જોવાનું રહે છે કે બિલ્ડર સામે તંત્ર શું કાર્યવાહી કરે છે.