રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મોડી સાંજે પત્રકાર પરિષદ યોજી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, નેતા વિપક્ષ અને દંડક અશ્વિન કોટવાલને પણ આડે હાથ લીધા હતા.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે આજે કોર્ટમાં સૌગંધનામું કર્યું છે અને કોંગ્રેસમાં જ છું. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું નથી અને ધારાસભ્ય પદ છોડવાનો નથી. મારા ધારાસભ્ય પદને આંચકી લેવા માટે કોંગ્રેસના નેતાઓ પ્રપંચ અને ષડયંત્રો કરી રહ્યા છે. 2017માં કોંગ્રેસના ખરાબ સમયે કોંગ્રેસની સાથે રહ્યો.
તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ માત્ર ઓફિસ પોલિટિક્સ જ રમે છે. લોકોની નાડ પારખતા આવડતી નથી. ઢોલ નગારા સાથે ઘરે મૂકી આવવાની વાત કરનારા નેતાઓને કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં કાન ફાટી જાય તેવી રીતે ઢોલ નગાર વાગવાના છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે પોતાના સંગઠનને મજબૂત કરતા નથી, સિટીઓમાં કોંગ્રેસ પાસે બૂથ લેવલવા માણસો નથી, વોર્ડ સમિતિઓ નથી. માત્ર અને માત્ર જૂથબંધી અને યાદવસ્થળીમાં રચ્યા પચ્યા રહેતા કોંગ્રેસના નેતાઓ ખુરશી માટે રમત રમે છે અને સારા નેતૃત્વને બદનામ કરવાનું કામ કરે છે. દરેક પોતાની સાથે લડી રહ્યા છે. સંગઠનને મજબૂત કરવાના બદલે જૂથવાદમાં પડ્યા છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ કોંગ્રેસના એક પણ નેતાના ચહેરા પર સિકન પણ આવ્યું નથી. લોકોએ કોંગ્રેસને ફગાવી દીધી અને સારા નેતૃત્વ અને ગરીબોને સાંભળતા હોય તેવા નેતાની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. માનનીય વડાપ્રધાન મોદીના નેતૃત્વ ફરી સરકારમાં બેસાડ્યું છે, હું લોકોને સલામ કરું છું.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મને જ ટારગેટ કરીને રોજ સવાર-સાંજ નિવેદનબાજી કરી રહ્યા છે. તેઓ ડરી ગયા છે એક કેડર બેઝ નેતા ગૂમાવવાથી. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી નથી. લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાની નીતિ નથી. ચૂંટણીમાં હાર્યા એટલે ઈવીએમમાં ગરબડી થઈ હોવાનું કહે છે. આ સિસ્ટમ તો કોંગ્રેસ લાવી હતી અને ત્યાર બાદ બે લોકસભા ચૂંટણી જીત્યા અને ત્રણ વિધાનસભા જીત્યા છો. ખરું કામ બૂથનું કામ કરવાના બદલે ઈવીએમ પર દોષ નાંખે છે.