Amit Shah: અમિત શાહે આસામના ગોલાઘાટમાં લચિત બરફૂકન પોલીસ એકેડમીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
Amit Shah કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામના ગોલાઘાટમાં લચિત બરફૂકન પોલીસ એકેડમીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ એકેડેમી 340 એકરમાં ફેલાયેલી છે અને તેનો મુખ્ય હેતુ પોલીસ તાલીમ માટે આધુનિક સુવિધાઓ પ્રદાન કરવો છે. પ્રથમ તબક્કામાં, એક સંગ્રહાલય, એક પરેડ ગ્રાઉન્ડ, સ્માર્ટ વર્ગખંડો ધરાવતું પાંચ માળનું મકાન, એક હથિયાર સિમ્યુલેટર, સંશોધન પ્રયોગશાળાઓ અને વહીવટી કચેરીઓનો સમાવેશ થાય છે.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં, ડીજીપી હરમીત સિંહે એકેડમીના વિવિધ સુવિધાઓ વિશે અમિત શાહને માહિતી આપી. ગૃહમંત્રીના સાથમાં રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ હાજર હતા. શાહે ઉદ્દઘાટન બાદ આગામી તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો.
બીજા તબક્કામાં 425.48 કરોડ રૂપિયાની કિંમતના પ્રોજેક્ટ હેઠળ રહેણાંક સુવિધાઓ વિકસાવવાની યોજના છે. આમાં 240 પરિવારો માટે રહેણાંક મકાન, 312 અધિકારીઓ અને કર્મચારીઓ માટે છાત્રાલય, અને 2,640 તાલીમાર્થીઓ માટે છાત્રાલયનો સમાવેશ થાય છે. આ એકેડેમી પોલીસ ટ્રેનિંગના સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ બંને પાસાઓ માટે એક મહત્વપૂર્ણ મંચ બનશે.
લચિત બરફૂકન પોલીસ એકેડમીની સ્થાપના, તેના આધુનિક સંકુલ અને તાલીમ સુવિધાઓ, સુરક્ષા અને કાયદા અમલમાં વ્યાવસાયિકતા અને કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થશે.