Faked Cancer to Scam Boyfriend: કેન્સરનો ડોળ રચી બોયફ્રેન્ડ પાસેથી લાખો પડાવ્યા, સત્ય બહાર આવતાં ભાંડો ફૂટ્યો!
Faked Cancer to Scam Boyfriend: એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે બાળકોની માતાએ કેન્સર હોવાનો ડોળ કરીને તેના બોયફ્રેન્ડ પાસેથી હજારો પાઉન્ડની છેતરપિંડી કરી. લૌરા મેકફર્સન નામની આ મહિલાએ પોતાના પ્રેમી જોન લિયોનાર્ડને એટલી હદે વિશ્વાસમાં લઈ લીધો કે તે તેની સારવાર માટે રૂપિયા આપવા તૈયાર થઈ ગયો.
મેકફર્સને પોતાનું નાટક વધુ ખરેખર લાગશે એ માટે નકલી હોસ્પિટલ મુલાકાત અને નિષ્ણાતોની સાથેના ફોટા શેર કર્યા. તેણે લિયોનાર્ડ પાસેથી લગભગ £25,000 (આશરે 24 લાખ રૂપિયા) પડાવી લીધા. પણ આ રકમ કીમોથેરાપી માટે નહીં, પરંતુ સ્તન સર્જરી અને વિદેશી મુસાફરી માટે વાપરી. તે ઑસ્ટ્રિયામાં એક લક્ઝરી વેલનેસ સેન્ટરમાં રોકાઈ હતી.
આ છેતરપિંડી માત્ર તેના બોયફ્રેન્ડ પૂરતી સીમિત નહોતી. મેકફર્સને પોતાના મિત્રો, પરિવાર અને 12 વર્ષની દીકરીને પણ ગેરમાર્ગે દોર્યા. પાંચ વર્ષ સુધી તેણે બધાને વિશ્વાસ અપાવ્યો કે તેને સ્તન, આંતરડા, કોલોન, અંડાશય અને સર્વાઇકલ કેન્સર છે. તેણે એવો પણ દાવો કર્યો કે તેની સારવાર NHS અને ખાનગી હોસ્પિટલોમાં ચાલી રહી છે અને તેની કિમોથેરાપી પૂર્ણ થઈ રહી છે.
આ સત્ય ત્યારે ખુલ્લું પડ્યું, જ્યારે તેણે માન્ચેસ્ટરના એક ખાનગી ક્લિનિકમાં માસ્ટેક્ટોમી અને સ્તન સર્જરી માટે લિયોનાર્ડ પાસેથી £7,000 માગ્યા. શંકા જતા લિયોનાર્ડે ડોક્ટરનો સંપર્ક કર્યો અને ખબર પડી કે મેકફર્સને ક્યારેય કેન્સરની સારવાર કરી નથી.
ડર્બી ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન, મેકફર્સને છેતરપિંડીના આરોપો માટે દોષી ઠેરવાઈ. ન્યાયાધીશે તેને “દુષ્ટ અને ચાલાક જૂઠી” જાહેર કરી અને બે વર્ષના સમુદાય આદેશ હેઠળ રાખવાનો નિર્ણય આપ્યો. તેને ઇલેક્ટ્રોનિક ટેગ પહેરી 30 દિવસ સુધી પ્રોબેશન ઓફિસરને રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો. જો તે શરતોનું ઉલ્લંઘન કરશે, તો તેને અઢી વર્ષની જેલની સજા થઈ શકે.