Gujarat Police Drug Raid: ગુજરાત પોલીસે ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ બોલાવી: અનેક રાજ્યોમાં દરોડા અને કરોડોનો મુદ્દામાલ જપ્ત
Gujarat Police Drug Raid: ગુજરાત પોલીસે છેલ્લા અઢી વર્ષમાં નશાની હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં અને અન્ય રાજ્યોમાં પણ દરોડા પાડી, ડ્રગ્સના મોટા જથ્થા ઝડપવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ બાબતની માહિતી આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ જંગ જેવી કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં ડ્રગ્સ પ્રવેશ ન કરે અને જે પણ પ્રવેશ કરે તેને તરત જ પકડી પાડવાની નીતિ સાથે ગુજરાત પોલીસ ખૂબ જ સક્રિય છે.
રાજ્યભરમાં અનેક સ્થળોએ દરોડા પાડીને ડ્રગ્સ પકડવાની સાથે ગુજરાત પોલીસે છેલ્લા બે વર્ષમાં અન્ય રાજ્યોમાં 30થી વધુ દરોડા કરીને મોટી માત્રામાં નશીલા પદાર્થો ઝડપી પાડ્યા છે. ગુજરાત પોલીસે આંતરરાજ્ય દરોડા કરીને દેશના વિવિધ ભાગોમાંથી નશીલા પદાર્થો અને તેમના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા ગેંગ્સનો પર્દાફાશ કર્યો છે.
ભરૂચ અને સુરત જિલ્લામાં નશીલા પદાર્થો જથ્થા જપ્ત કરાયા
ભરૂચ અને સુરત જિલ્લામાં 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સ પકડવાના અનેક કેસ નોંધાયા છે. આ દરમિયાન ગાંજો, મેફેડ્રોન, ચરસ, અફીણ, માદક પદાર્થોનું રો મટીરિયલ, એલ.એસ.ડી., સીરપ, પોસ ડોડા, પેન્ટાઝોસિલ જેવી વિવિધ પ્રકારની નશીલી દવાઓના કરોડો રૂપિયાના જથ્થા જપ્ત કરાયા છે. પોલીસની આ કાર્યવાહીમાં કુલ 397 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 100થી વધુ આરોપીઓ હજુ પણ પકડથી દૂર છે. તેમની ધરપકડ માટે બાતમીદારો અને ટેકનિકલ સપોર્ટના આધારે શોધખોળ ચાલુ છે.
આમ, ગુજરાત પોલીસે માત્ર રાજ્યમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ જઇને નશા વિરોધી અભિયાન ચલાવ્યું છે. જે તે સ્થળોની તપાસ અને ગુપ્ત માહિતીના આધારે રાજ્યની પોલીસ સતત નશાની હેરાફેરી સામે લડત આપી રહી છે. પકડાયેલા કેટલાક આરોપીઓ અન્ય રાજ્યોની જેલમાં છે, તો કેટલાક વિદેશમાં છે. ગુજરાત પોલીસે તેમની ધરપકડ માટે પણ પ્રયાસો તેજ કર્યા છે.