Hyderabad NO AC Campaign: હૈદરાબાદમાં કેબ ડ્રાઇવરોનો અનોખો વિરોધ, હવે AC નહીં!
Hyderabad NO AC Campaign: મોટા શહેરોમાં ઑનલાઇન કેબ સેવાઓની માંગ વધી રહી છે, પરંતુ ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓમાં કામ કરતા ડ્રાઇવરો પર વધતા ખર્ચ અને ઓછા ભાડાના ભારણને કારણે હૈદરાબાદમાં એક અનોખો વિરોધ થયો છે. 24 માર્ચથી અહીંના કેબ ડ્રાઇવરો ‘NO AC Campaign’ ચલાવી રહ્યા છે, જેમાં તેઓ મુસાફરો માટે એર-કન્ડિશનર (એસી) બંધ રાખે છે.
વિરોધનું કારણ શું?
તેલંગાણા ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ યુનિયને જણાવ્યું કે કેબ કંપનીઓ દ્વારા નક્કી કરાયેલા ભાડા ખૂબ ઓછા છે, જ્યારે ડીઝલ, જાળવણી અને કમીશન સહિતનો ખર્ચ ઘણો ઊંચો છે. ડ્રાઇવરોનું કહેવું છે કે તેઓ પ્રતિ કિલોમીટર ₹10-₹12 કમાય છે, જયારે એસી ચાલુ રાખવાથી ખર્ચ ₹16-₹18 થઈ જાય છે. ઉપરાંત, કંપનીઓ 30% સુધી કમીશન કપાય છે. એરપોર્ટ પરથી મુસાફરો મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે, જેનાથી આર્થિક નુકસાન વધે છે.
આ પહેલા પણ વિરોધ થઈ ચૂક્યો છે
2024માં ડ્રાઇવરો દ્વારા હૈદરાબાદ એરપોર્ટ પર મુસાફરોના બહિષ્કારનો પણ પ્રયાસ થયો હતો. આ વખતે, ‘NO AC Campaign’ દ્વારા તેઓ પોતાની સમસ્યાઓ સામે સરકાર અને કેબ એગ્રીગેટર્સનું ધ્યાન દોરવા ઈચ્છે છે. શેખ સલાહુદ્દીને જણાવ્યું કે ભવિષ્યમાં વધુ સખત પગલાં લેવા પણ ડ્રાઇવરો તૈયાર છે.
આ ઝુંબેશ મુસાફરો માટે અસુવિધા ઊભી કરી શકે, પણ કેબ ડ્રાઇવરોની માંગને સમજૂતી વિના અવગણવી મુશ્કેલ બની રહેશે.