CYBER CRIME : વિમા પોલિસીના નામે 7 કરોડનું ઠગાઈ કૌભાંડ: નોઇડામાંથી આરોપી ઝડપાયો, CID ક્રાઈમે ઉકેલ્યો કિસ્સો
CYBER CRIME : સાયબર ગુનાખોરો નવી નવી ટેક્નિક અપનાવી લોકોને ઝાંસામાં લેતા રહે છે. ગુજરાત સ્ટેટ સાયબર સેલે એવા જ એક ગોટાળાની વિગત બહાર લાવી છે, જ્યાં એક ભેજાબાજે પોતાને વીમા કંપનીનો અધિકારી બતાવી લોકોને કરોડોની ઠગાઈમાં ફસાવ્યા. આ બનાવમાં ઉત્તર પ્રદેશના નોઇડાથી મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
વીમા કંપનીના અધિકારીની ઓળખ બનાવી ઠગાઈ
મળતી માહિતી મુજબ, આરોપી સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે લોકોનો સંપર્ક કરતો અને HDFC Life Insurance તથા Shriram Life Insurance Company Ltd. નો અધિકારી કે એજન્ટ હોવાનો દાવો કરતો. તે લોકોને Future Generali Life Insurance તથા Shriram Life Insurance ના આકર્ષક રોકાણ પ્લાન અંગે સમજાવતો અને ટુંકા ગાળામાં જંગી નફાનો લાલચ આપતો.
7 કરોડના ફ્રોડમાં પોલીસની મોટી કાર્યવાહી
આ કેસમાં ફરિયાદી પાસેથી 7 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરાઈ હોવાની જાણ થતાં CID સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી. આરોપીએ વીમા પોલિસીમાં રોકાણ કરાવ્યું હોવાનું કહી એજન્ટ ચાર્જ, બેંક ચાર્જ અને અન્ય ખર્ચના બહાને વધુ રકમ ઉઘરાવી. જો કે, રોકાયેલાં પૈસા પરત ન આવતા ફરિયાદ નોંધાતા આ ગોટાળો બહાર આવ્યો.
આરોપી નોઇડામાંથી ઝડપાયો, 6 કરોડ રિકવર
સાઈબર સેલની ટીમે મોબાઈલ નંબર અને બેંક ખાતાની ટ્રેકિંગ દ્વારા આરોપીનું નોઇડા (ઉત્તર પ્રદેશ) માં લાઈવ લોકેશન ટ્રેસ કરીને તેને પકડી પાડ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી થર્ડ પાર્ટી પોલિસી, મોટા રોકાણ, અને વધુ નફાના નામે લોકોને ટાર્ગેટ કરી સાયબર ઠગાઈ કરતો. પોલીસે મહત્તમ 6 કરોડ રૂપિયા રિકવર કરી લેતા મોટી સફળતા મળી.
આરોપીની ફ્રોડ મોડસ ઓપરેન્ડી
આરોપી ખોટી ઓળખ બનાવીને વીમા કંપનીના અધિકારી તરીકે લોકોનો વિશ્વાસ જીતતો.
ફોન, વોટ્સએપ દ્વારા સંપર્ક કરી ઇન્સ્યોરન્સમાં રોકાણ માટે લાલચ આપતો.
વિભિન્ન વીમા યોજનાઓના નામે થર્ડ પાર્ટી પોલિસી વેચીને લોકોને ગોટાળામાં ફસાવતો.
ફેસિલિટેશન ચાર્જ, એજન્ટ ચાર્જ, અને અન્ય બહાનાઓ હેઠળ વધુ રકમ ઉઘરાવતો.
CID ક્રાઈમે હવે આ ગોટાળાનું જાળ આંતરરાજ્ય હોવાની સંભાવના સાથે વધુ તપાસ શરૂ કરી છે.