મુંબઈ : દેશના વિખ્યાત ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર હાલમાં ‘સુપર 30’ નામની ફિલ્મ બનાવવામાં આવી છે. ઋત્વિક રોશન સ્ટારર આ ફિલ્મ આવતીકાલે શુક્રવારે સિનેમાઘરોમાં રિલિઝ થશે. આ ફિલ્મમાં આનંદ કુમાર અને સંઘર્ષની સ્ટોરી છે. જો કે આ પહેલા આનંદ કુમારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ એક ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે.
ન્યુઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં આનંદ કુમારે કહ્યું છે કે, તેઓ બ્રેઇન ટ્યુમર જેવી ગંભીર બિમારી સામે લડી રહ્યા છે. વર્ષ 2014માં તેઓ પોતાનાં કાનની સારવાર કરાવવા માટે ડોક્ટર પાસે પહોંચ્યા હતા ત્યારે તેને પોતાની આ બિમારી અંગે માહિતી મળી હતી. તેઓ અત્યાર સુધી આ બિમારીનું ઓપરેશન કરાવી શક્યા નથી.
આનંદે જણાવ્યું કે, થોડા સમય પહેલા તેમને સાંભળવામાં સમસ્યા થવા લાગી હતી. જ્યારે તેણે પોતાનાં કાનનો ચેકઅપ કરાવ્યું તો તેમને જાણ થઇ કે તેઓ સાંભળવામાં 80-90 ટકા ક્ષમતા ગુમાવી ચુક્યા છે. ડોક્ટરના અનુસાર માથામાં જ્યાં આ ટ્યુમર છે તે ખુબ જ નાજુક પાર્ટ છે. ઓપરેશનમાં જો કોઇ પણ ભુલ થાય તો લકવા થઇ શકે છે. જેના કારણે અત્યાર સુધી આ ઓપરેશન થઇ શક્યું નથી.