Weather Alert: ગુજરાતમાં માવઠાની આગાહી: 31 માર્ચથી 2 એપ્રિલ સુધી પવન-વરસાદ સાથે વાતાવરણમાં પલટો
Weather Alert: રાજ્યમાં ગરમીની તીવ્રતા વધતા મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચશે, અને આગામી દિવસોમાં 2-3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને માવઠું થશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન નિષ્ણાતો મુજબ, મહારાષ્ટ્ર પર સક્રિય બનેલી ટ્રફ લાઇનના કારણે ગુજરાતમાં થંડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન ગાજવીજ અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
કયા વિસ્તારોમાં રહેશે અસર?
31 માર્ચ: નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, દાદરા-નગર હવેલી, અમરેલી અને ભાવનગર.
1 એપ્રિલ: છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાદરા-નગર હવેલી.
2 એપ્રિલ: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ.
ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ
આ માવઠા અને પવનની અસર બાગાયતી પાકો પર થઈ શકે છે, જેથી ખેડૂતોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને કેરી, કપાસ અને શાકભાજી ઉગાડતા ખેડૂતો માટે આ વાતાવરણ નુકસાનકારક બની શકે છે.
હવામાન વિભાગ ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે શક્ય તેટલી તાકીદે પગલાં લેવા સુચવે છે.