IMD Rain Forecast in Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી: 18થી વધુ જિલ્લાઓમાં 3 એપ્રિલ સુધી પવન સાથે વરસાદની શક્યતા
IMD Rain Forecast in Gujarat: ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન પલટાવાની સંભાવના છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, જે 31 માર્ચથી 3 એપ્રિલ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અસર કરશે. થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે પવનની ગતિ તેજ રહેશે અને રાજ્યમાં ગરમીમાં થોડી રાહત મળશે.
કયા જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ?
હવામાન વિભાગ મુજબ, 31 માર્ચે નર્મદા, તાપી, અને ડાંગ જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે 1 એપ્રિલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.
2 એપ્રિલે અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા છે. 3 એપ્રિલે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
ખેડૂતો માટે ચેતવણી
રાજ્યમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ખાસ કરીને બાગાયતી પાક માટે ભારે પવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા અને પાક સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં ભરવાની સલાહ આપી છે.
તાપમાનમાં બદલાવ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 37-39 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનના કારણે ગરમી વધુ અનુભવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે તાપમાન થોડું ઓછું થવાની સંભાવના છે, ભેજવાળા વાતાવરણને કારણે અકળામણ યથાવત્ રહી શકે.