Cocaine seized From Bhuj: ભુજમાંથી 41 લાખનું કોકેઇન ઝડપાયું ! બન્ને ઇસમો 3 દિવસના રિમાન્ડ પર
Cocaine seized From Bhuj કચ્છ જિલ્લામાં માદક પદાર્થના વેચાણની પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ભુજના કોડકી નજીકથી નશીલા પદાર્થનુ વેચાણ કરતા બે શખ્સોની ધરપકડ કરી છે. આ બન્ને ઇસમો પાસેથી 41 લાખની કિંમતનું કોકેઇન અને અફીણ જપ્ત કરવામાં આવ્યું છે.
ભુજના કોડકી રોડ પર આવેલી ઓક્સવુડ સોસાયટીમાંથી SOGએ મયૂર રસિકલાલ સોની અને પંજાબના ગુરદેવસિંઘ ઉર્ફે મનિન્દર સિંઘને પકડ્યા છે. આરોપીઓ પાસેથી 41 ગ્રામ કોકેઇન અને 2 ગ્રામ અફીણ મળી આવ્યું છે. પોલીસે આરોપીઓની કાર, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 46 લાખ 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એસઓજી પોલીસ ઇન્સપેક્ટર કે.એમ. ગઢવી અને તેમના સ્ટાફને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓએ કબૂલ્યું કે તેમને આ માદક પદાર્થ પંજાબથી એક અજાણ્યા શખ્સ પાસેથી મળ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં દરિયાઈ માર્ગે અને અન્ય રસ્તે આવતા માદક પદાર્થના વેપલા સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે.