અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીકારોની પેનલને 31મી જુલાઈ સુધીમાં અંતિમ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. અયોધ્યા મામલે રોજે-રોજ સુનાવણી કરવી કે મંત્રણા મારફત સમાધાનકારી રસ્તો કાઢવો તે અંગે કોર્ટ દ્વારા મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો હતો અને મધ્યસ્થીકારોન પેનલ બનાવવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે તેને જસ્ટીસ એફએમ કલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની પેનલનો હેવાલ મળી ગયો છે. કોર્ટ દ્વારા રિપોર્ટમાં અભ્યાસની કામગીરી ચાલી રહી છે. પેનલને 31મી જુલાઇ સુધી વાતચીત જારી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. અત્રે નોંધનીય છે કે જટિલ મામલામાં ફેંસલાને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.કોર્ટે પહેલા 25મી જુલાઇના દિવસે સુનાવણી કરવા માટેની તારીખ નક્કી કરી હતી. હવે કોર્ટે બીજી ઓગષ્ટના દિવસે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટે 11મી જુલાઇના દિવસે મામલાની સુનાવણી કરી હતી. એ દિવસે અયોધ્યા મામલામાં મધ્યસ્થીની પ્રક્રિયાને ખતમ કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે મધ્યસ્થીને લઇને કરવામાં આવેલા પ્રયાસોથી કોઇ ખાસ પ્રગતિ થઇ નથી. જેથી આ પ્રક્રિયાને રોકીને કોર્ટ મામલાની વહેલી તકે સુનાવણી કરે તે જરૂરી છે.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બંધારણીય બેંચે મધ્યસ્થતા પેનલને વચગાળાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થીની પ્રક્રિયાને ખતમ કરવામાં આવશે નહીં.મધ્યસ્થીકારોની પેનલને ભંગ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમે મધ્યસ્થીકારોની પેનલની રચના કરી ચુક્યા છીએ. અમને રિપોર્ટનો ઇન્તજાર રહેશે. મધ્યસ્થીકારોની પેનલ પહેલા રિપોર્ટ રજૂ કરે તે જરૂરી છે.