Chiku Price Increase : ગુજરાતમાં ચીકુના ઉત્પાદનમાં ભારે ઘટાડો, બજારમાં ભાવ ઊંચા રહેવાની શક્યતા
Chiku Price Increase : ગુજરાતમાં ખેડૂતો માટે આ વર્ષે મુશ્કેલીભર્યું સાબિત થઈ રહ્યું છે. ચીકુના ઉત્પાદનમાં લગભગ 50% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, કેરીના પાકમાં સારો મોર જોવા મળ્યો છે, જ્યારે ચીકુના વાવેતરમાં માહોલ અનુકૂળ ન હોવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.
વરસાદ અને વાતાવરણના પ્રભાવથી ઉત્પાદનમાં ઘટાડો
મહેસાણા જિલ્લામાં ચીકુના વાવેતરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો થયો છે. સામાન્ય રીતે, ફેબ્રુઆરીથી માર્ચ સુધી ચીકુના છોડ પર ફૂલો આવતા હોય છે અને એપ્રિલમાં પાક તોડવા યોગ્ય બની જાય છે. જોકે, આ વર્ષે અણધારી હવામાન પરિસ્થિતિ અને અનિયમિત વરસાદને કારણે ચીકુના ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે.
બજારમાં ચીકુના ભાવ ઊંચા, ખેડૂતોની ચિંતા વધી
મહેસાણાના દવાડા ગામના ચીકુના વાડી ધરાવતા ખેડૂત હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, “ગયા વર્ષે મેં 40,000 રૂપિયાના ચીકુ વેચ્યા હતા, પણ આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો હોવાથી અડધાનું વેચાણ પણ મુશ્કેલ લાગે છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પર વધુ અસર પડી છે.”
કૃષિ નિષ્ણાત રોશનીબેન બારડનું કહેવું છે કે, “વાતાવરણની અસરે મહેસાણાના ખેડૂતોને 30-40% જેટલો નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે બજારમાં હાલના ચીકુના ભાવ 100-120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.”
વિસનગર, અને મહેસાણા શહેરોમાં પણ ચીકુના ભાવમાં વધારો થયો છે. બજારના જાણકારોના મતે, આગામી મહિનાઓમાં ચીકુના ભાવ વધુ ઊંચા જઈ શકે છે.