National Maritime Heritage Complex: લોથલમાં બંધાઈ રહ્યું છે ₹4,500 કરોડનું રાષ્ટ્રીય દરિયાઈ સંકુલ: ઇતિહાસ અને વિકાસનો ઐતિહાસિક પ્રોજેક્ટ
National Maritime Heritage Complex: ગુજરાતના લોથલમાં ભારતના સમૃદ્ધ દરિયાઈ ઈતિહાસને જીવંત બનાવવાનું ભવ્ય ‘રાષ્ટ્રીય દરિયાઈ ધરોહર સંકુલ’ (National Maritime Heritage Complex) વિકસાવવામાં આવી રહ્યું છે. આશરે ₹4500 કરોડના ખર્ચે બની રહેલ આ સંકુલ 2025 સુધીમાં આંશિક રીતે કાર્યરત થઈ જશે. આ પ્રોજેક્ટ માત્ર પ્રવાસન અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે નહીં, પણ વૈશ્વિક સ્તરે ભારતના મેરિટાઈમ વારસાને રજુ કરવાનું મહત્વનું કેન્દ્ર બનશે.
વિશેષતાઓ અને મહત્વ:
દરિયાઈ ઈતિહાસનું પ્રતિબિંબ: આ સંકુલ ભારતના 5000 વર્ષના દરિયાઈ ઈતિહાસ, હડપ્પા સંસ્કૃતિ અને સમુદ્ર વેપારની ઝલક પ્રદાન કરશે.
આધુનિક ટેક્નોલોજી: મ્યુઝિયમમાં ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે, ડિજિટલ રિપ્રોડક્શન અને હડપ્પીયન જીવનશૈલીને સમર્પિત વિસ્તૃત ગેલેરીઓ હશે.
રોજગારી અને આર્થિક વિકાસ: આ સંકુલથી હજારો લોકો માટે રોજગારીની તકો ઉભી થશે અને ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થાને બળ મળશે.
વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ: વિશ્વની સૌથી ઊંચી લાઈટ હાઉસ મ્યુઝિયમ (77 મીટર), ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ટેન્ટ સિટી, રિસોર્ટ, અને ઇલેક્ટ્રિક વાહન વ્યવસ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણ અને સંશોધન: મેરિટાઈમ યુનિવર્સિટી અને રિસર્ચ સેન્ટર પણ આ પ્રોજેક્ટનો હિસ્સો હશે.
2025 સુધીમાં પ્રથમ તબક્કો કાર્યરત
પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ 14 માંથી 6 મ્યુઝિયમ ગેલેરીઓ શરૂ કરવામાં આવશે. બીજા તબક્કામાં બાકીની ગેલેરીઓ, થીમ પાર્ક અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે.
મોદી સરકારનું ‘વિરાસત ભી, વિકાસ ભી’ વિઝન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થઈ રહ્યો છે. આ સંકુલ માત્ર એક મ્યુઝિયમ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે શિક્ષણ અને સંશોધનનું કેન્દ્ર પણ બનશે.
લોથલના ઇતિહાસને આધુનિક યુગ સાથે જોડીને, આ દરિયાઈ ધરોહર સંકુલ ભારતની ગૌરવશાળી સમુદ્રયાત્રા અને વેપારની સંસ્કૃતિને જીવંત બનાવશે.