Weather Alert In Gujarat : ગુજરાતમાં ગરમીનો ત્રાસ ઉગ્ર, હવે એપ્રિલમાં આવશે આંધી-વાવાઝોડાનું તોફાન! અંબાલાલ પટેલે કરી ચેતવણીભરી આગાહી
Weather Alert In Gujarat : હવામાન વિભાગ અને હવામાન વિશેષજ્ઞોની આગાહીથી ચિંતા વધતી લાગી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ ચૂક્યું છે અને ભુજમાં સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે તો હવામાનમાં આકસ્મિક પલટાની પણ આગાહી છે.
રાજ્યમાં તાપમાને તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગ મુજબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન ખુબજ વધ્યું છે. ભુજમાં 44.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટ 42.9, સુરેન્દ્રનગર 43.2 અને ડીસા 42.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેરોમાં સ્થાન પામ્યું છે.
અમદાવાદ 41.3 અને ગાંધીનગર 41.0 ડિગ્રી સાથે ગરમીનો ત્રાસ આપી રહ્યાં છે. રાજ્યના કુલ 10 કરતાં વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીના પાર પહોંચ્યું છે. કચ્છ માટે ઓરેન્જ અલર્ટ અને રાજકોટ માટે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
અંબાલાલ પટેલે કરી ચિંતા ઊભી કરનારી આગાહી
પ્રખ્યાત હવામાન વિદ્ અંબાલાલ પટેલે એપ્રિલ મહિને ગુજરાત માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 10 થી 13 એપ્રિલ વચ્ચે રાજ્યના દક્ષિણ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને તીવ્ર પવનની શક્યતા છે.
તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં સિઝનનું પહેલું વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. આ તોફાનની અસર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે.
10 એપ્રિલ પછી હવામાન પલટાઈ જશે
10 એપ્રિલ પછી રાજ્યના અનેક ભાગોમાં તાપમાન ઘટી શકે છે, વાતાવરણ અચાનક બદલી શકે છે અને કેટલાક વિસ્તારોમાં આંધી અને વરસાદના દૃશ્યો સર્જાઈ શકે છે. નવસારી, સુરત, અમરેલી, ભાવનગર, ગાંધીનગર સહિતના વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે.
4 જૂન સુધી રહેશે આ અસર
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, એપ્રિલના અંતથી લઈને 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રની વચ્ચે પણ હલકાંથી મધ્યમ વરસાદની શક્યતા રહેવા પામે છે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ભેજ વધવાના કારણે હવામાનમાં તીવ્ર પલટાની શક્યતા છે.
ગુજરાતના લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી દિવસોમાં હવામાન વિશે ચેતન રાખે, ખાસ કરીને ખેતમજૂરો, માછીમારો અને કાચા મકાન ધરાવતો વર્ગ તકેદારી રાખે. હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓને પાલન કરવું જરૂરી બની રહેશે.