Ram Navami Security Ahmedabad: શાંતિપૂર્ણ રામનવમી માટે શહેર એલર્ટ મોડમાં, પોલીસ કમિશનરની કડક બેઠક
Ram Navami Security Ahmedabad: અમદાવાદ શહેરમાં રામનવમીના તહેવારને લઈ પોલીસ તંત્ર દ્રારા સુરક્ષા અંગે ચુસ્ત તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરના પોલીસ કમિશનર જી.એસ. માલિકે તમામ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે મહત્વની બેઠક યોજી હતી, જેમાં શહેરમાં યોજાનારી શોભાયાત્રાઓની સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી.
રામનવમી માટે 23 યાત્રાઓને મંજૂરી
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેરમાં રામનવમીના અવસરે કુલ 23 શોભાયાત્રાઓ માટે મંજૂરી અપાઈ છે. ખાસ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ હાજર રહેશે.
CCTVથી શહેર પર નજર
પોલીસ કમિશનરે જણાવ્યું કે શહેરમાં અત્યાર સુધીમાં 14,000 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાંથી 250 જેટલાં કેમેરા નિયંત્રણ કક્ષાએ કાર્યરત થયા છે. આ પધ્ધતિથી રિયલ ટાઈમમાં દરેક યાત્રા પર નજર રાખી શકાશે.
PIની ફરજિયાત હાજરી અંગે કડક સૂચના
આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય PIની હાજરીને લઈ પણ લેવામાં આવ્યો. લોકો તરફથી મળતી ફરિયાદો મુજબ ઘણા PI તેમના પોલીસ સ્ટેશનમાં મળતા ન હોવાના મુદ્દે પોલીસ કમિશનરે હવે સ્પષ્ટ સુચના આપી છે. હવે દરેક પોલીસ ઇન્સ્પેક્ટરને રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવું પડશે, જેથી નાગરિકો સીધા મળીને પોતાની રજૂઆત કરી શકે.
શાંતિ અને સંયમ સાથે તહેવાર ઉજવવા અપીલ
શહેર પોલીસ તંત્ર દ્વારા જનતાને શાંતિપૂર્ણ રીતે તહેવાર મનાવવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષા માટે SRPની તૈનાતી ઉપરાંત ડીસીપી, એડિશનલ પોલીસ કમિશનર અને પીઆઈઓનું દળ પણ યાત્રા માર્ગો પર તૈનાત રહેશે.