Kadi Visavadar By Election 2025 : કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે 15 જૂન પહેલા પેટા ચૂંટણી યોજાવાની શક્યતા, ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી
Kadi Visavadar By Election 2025 : ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાવાની શક્યતા વધી ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બંને બેઠકો માટે મતદાર યાદીમાં સુધારણા માટે કાર્યક્રમ જાહેર કર્યો છે, જે 8 એપ્રિલથી શરૂ થઈ 24 એપ્રિલ 2025 સુધી ચાલશે. આ પ્રક્રિયા બાદ 5 મે સુધીમાં સુધારેલી મતદાર યાદી જાહેર થવાની છે, અને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 15 જૂન પહેલા પેટા ચૂંટણી યોજાઈ શકે છે.
બેઠકો ખાલી કેમ થઈ?
કડી બેઠક ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનના કારણે ફેબ્રુઆરી 2025માં ખાલી થઈ હતી. જ્યારે વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીના રાજીનામાને પગલે ખાલી પડી છે. તેઓએ 2023માં રાજીનામું આપ્યું હતું.
વિસાવદરની રાજકીય પૃષ્ઠભૂમિ:
2022ની ચૂંટણીમાં કોંગ્રેસના પાટીદાર નેતા હર્ષદ રીબડીયાએ વિસાવદર બેઠક જીતેલી. જોકે, થોડા સમયમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના જવાબમાં ભુપત ભાયાણીએ આમ આદમી પાર્ટીની ટિકિટે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ રીબડીયાએ આ પરિણામને હાઇકોર્ટમાં પડકાર્યું હતું, જેના કારણે વિસાવદરની ચૂંટણી લંબાઈ હતી. હવે કાયદાકીય વિવાદ નિપટતાં ચૂંટણીનો રસ્તો ખુલ્યો છે.
અગાઉ યોજાયેલી પેટા ચૂંટણી:
2022 બાદ રાજ્યમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને નવેમ્બર 2024માં વાવ બેઠક માટે પણ પેટા ચૂંટણી થઈ ચૂકી છે. તે સમયે વિસાવદરની મામલે કોર્ટ કેસ પેન્ડિંગ હોવાથી ચૂંટણી થઈ શકી નહોતી. હવે કડી અને વિસાવદર બંને માટે ચૂંટણી યોજાવાની તયારી શરૂ થઈ ગઈ છે.
રાજકીય રસપ્રદ સ્પર્ધા અપેક્ષિત:
આ બંને બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય સ્પર્ધાની સંભાવના છે. જેના કારણે ચૂંટણી રોમાંચક રહેવાની શક્યતા છે. હવે સૌની નજર ચૂંટણી પંચની આગલી જાહેરાત પર ટકી છે.