ભારતનું ચંદ્ર પર બીજું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 આવતીકાલે બપોરે 2:43 મીનીટે રવાના થશે. ઈસરોએ ટવિટ કરી આ જાણકારી આપી છે કે લોન્ચ માટેનું રિહર્સલ પૂર્ણ થઈ ગયું છે અને યાનનું પર્ફોર્મન્સ સામાન્ય છે. જીએસએલવી-એકે-3 એ-1 રોકેટમાં ટેક્નિકલી ખામી સર્જાવાના કારણે પંદરમી જૂલાઈએ ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ થઈ શકયું ન હતું.
ઈસરોએ જણાવ્યું છે કે વિશેષજ્ઞ સમિતિએ ટેક્નિક્લી ખામીનું કારણ જાણ્યા બાદ હવે યાનને ઉડાન માંટે સક્ષમ કરી દેવામાં આવ્યું છે. 3,850 કિલો વજન ધરાવતા યાનને શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 22મી જૂલાઈએ અંતરિક્ષમાં રવાના કરવામાં આવશે. યાનની સાથે ઓર્બિટર, લેન્ડર અને રોવર પણ સાથે લઈ જશે અને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરાણ કરશે.
ચંદ્રયાનને ચંદ્ર સુધીનું સફર પૂર્ણ કરવામાં 54 દિવસ લાગશે. યાનમાં કુલ 13 પેલોડ છે. આઠ ઓર્બિટરમાં, ત્રણ પેલોડ લેન્ડર વિક્રમ અને બે પેલોડ રોવરમાં ફીટ કરાયા છે. શ્રીહરિકોટાથી રાષ્ટ્રપતિ કોવિંદ યાનને રવાના કરશે. આ યાન ચંદ્રની ઉંડાઈ સહિતની અનેક રહસ્યમયી વાતો પરથી પરદો ઉંચકી શકશે.