નેશનલ હાઈ વે પર ટ્રાફિકમાં સરળતા રહે અને ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી-લાંબી લાઈનો ન લાગે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પહેલી ડિસેમ્બરથી નેશનલ હાઈ વે પર બધા જ ટોલ પ્લાઝાની બધી જ લેન ફાસ્ટ ટેગ લેન થઈ જશે. બધી લેનમાં એક હાઈબ્રિડ લેન હશે જે બધા ટોલ પ્લાઝાને ઓવર સાઈઝ્ડ વાહનોને જવામાં મદદ કરશે. આ લેનમાં ફાસ્ટેગ ઉપરાંત બીજી રીતે પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મંત્રાલયે સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે સમય જતા આ લેનને પણ ફાસ્ટેગમાં કન્વર્ટ કરવામાં આવશે. જો પહેલી ડિસેમ્બર પછી જે વાહનોમાં ફાસ્ટેગ નહીં હશે અને ફાસ્ટેગલેનમાંથી પસાર થશે તો તેમણે ડબલ ફી ચૂકવવી પડશે.
ફાસ્ટેગ એક એવો ટેગ છે જેને સ્કેન કરીને મશીન ટોલ ચાર્જને ઓટોમેટિક કાપી લે છે અને વાહનને ટોલ પ્લાઝા પર કેશ આપવા માટે અટકવું નથી પડતુ. મંત્રાલયે જણાવ્યું, “અમે આખા દેશમાં ટોલ ફી પ્લાઝાની બધી જ લેનને ફાસ્ટેગલેન જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ પહેલી ડિસેમ્બરથી લાગુ પડશે. નેશનલ હાઈવેઝ ફી રૂલ્સ, 2008 મુજબ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગલેનનો ઉપયોગ ફક્ત ફાસ્ટેગ ધરાવતા વાહનો જ કરી શકે છે.
નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI))ને લખેલા પત્રમાં હાઈવે મિનિસ્ટ્રીએ નેશનલ હાઈવેના દરેક ટોલ પ્લાઝા પર આ નિયમનો કડક અમલ કરવા સૂચના આપી છે. આ નિર્ણય ઝડપી પેમેન્ટ અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લેવાયો છે. આનાથી હાઈવે પર ટ્રાફિક આસાનીથી પસાર થઈ શકશે અને ટોલ પ્લાઝા પર પણ ભીડ નહિ જામે.