Sniffer Rats Amazing Record: રોનિન, લેન્ડમાઈન્સ શોધવામાં વિશ્વમાં નંબર વન બનેલો બહાદુર ઉંદર
Sniffer Rats Amazing Record: કંબોડિયામાં રહેતા એક ખાસ પ્રકારના ઉંદરે ઇતિહાસ રચ્યો છે. રોનિન નામનો આ આફ્રિકન જાયન્ટ પાઉચ્ડ ઉંદર અત્યારસુધીમાં 100થી વધુ લેન્ડમાઈન અને યુદ્ધ સમયે બચેલા વિસ્ફોટકો શોધી કાઢીને દુનિયાનો સૌથી સફળ ખાણ-સૂંઘનાર ઉંદર બની ગયો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેનું નામ સૌથી વધુ લેન્ડમાઈન્સ શોધનારા ઉંદર તરીકે નોંધવામાં આવ્યું છે.
રોનિનને તાલીમ આપનાર સંસ્થા APOPO જણાવે છે કે તેણે 109 લેન્ડમાઈન અને 15 વણવિસ્ફોટિત ઓર્ડનન્સ શોધીને મોટી સફળતા મેળવી છે. રોનિનને તેની મહેનત, શાંતિભર્યા સ્વભાવ અને મૈત્રીપૂર્ણ વર્તન માટે ઓળખવામાં આવે છે. તેના હેન્ડલર ફેની કહે છે, “રોનિન ફક્ત એક પ્રાણિ નહીં, પણ અમારા માટે એક સહયોગી અને સાથીદાર છે.”
APOPO સંસ્થા છેલ્લા ત્રણ દાયકાથી ખાણ શોધવામાં ઉંદરોને તાલીમ આપે છે. રોનિન જેવા ઉંદરો ખાસ ગ્રીડ પૅટર્નમાં ભૂમિ પર ખંજવાળીને જોખમભર્યા વિસ્ફોટકો શોધે છે. તેઓ દરેક દિવસમાં માત્ર 30 મિનિટ કામ કરે છે અને ચોક્કસ ઉંમરે નિવૃત્ત કરવામાં આવે છે.
કંબોડિયા હજુ પણ વિસ્ફોટકોની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. વર્ષો સુધી ચાલેલા ગૃહયુદ્ધ પછી દેશની મોટી જમીન ખતરનાક વિસ્ફોટકોથી દૂષિત છે. અહીં લાખો લોકો જીવંત ખતરા વચ્ચે જીવે છે.
રોનિન પહેલાના રેકોર્ડધારક મગાવાને પાછળ છોડી ચુક્યો છે. મગાવાએ પણ 71 લેન્ડમાઈન્સ અને 38 ઓર્ડનન્સ શોધી એક ઐતિહાસિક કામગિરી કરી હતી. હવે રોનિન તેની બુદ્ધિ અને બહાદુરીથી દુનિયાભરમાં લોકોને આશ્ચર્યમાં મૂકે છે.