નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા રાજીવ ખંડેલવાલની ફિલ્મ ‘પ્રણામ’નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં અતુલ કુલકર્ણી, અભિમન્યુ સિંહ અને વિક્રમ ગોખલે જેવા સ્ટારની એક્ટિંગ જોવા મળશે. ફિલ્મના નિર્માતા રજનીશ રામ પુરીના જણાવ્યા પ્રમાણે, “ફિલ્મમાં રાજીવ એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે જે બાળપણથી આઇએએસ ઓફિસર બનવા માંગે છે પરંતુ તેમની જીંદગીમાં એવો વળાંક આવે છે કે તે આઇએએસની જગ્યાએ ગેંગસ્ટર બની જાય છે.”
ફિલ્મના ટીઝરમાં રાજીવ દમદાર ડાયલોગ સાથે અતુલ કુલકર્ણી અને અભિમન્યુ સિંહ પણ જોરદાર ડાયલોગ બોલતાં જોવા મળી રહ્યા છે. ફિલ્મનું સમગ્ર શૂટિંગ લખનઉમાં કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ રૂદ્બાક્ષ એડવેંચર્સ પ્રાઇવેટ લિમિટેડના બેનર તળે થયું છે. અનિલ સિંહ, નિતિન મિશ્રા અને રજનીશ રામ પુરી આ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મનું નિર્દેશન ‘ફરેબ’ અને ‘શૂદ્વ ધ રાઇઝિંગ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા જાયસ્વાલે કર્યું છે.
આ ફિલ્મમાં રાજીવ સાથે સાઉથ એક્ટ્રેસ સમીક્ષા સિંહ જોવા મળશે. એક્શનથી ભરપૂર રાજીવની આ ફિલ્મ 9 ઓગસ્ટના રોજ દુનિયાભરની 1400 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. રાજીવ ફિલ્મ ‘પ્રણામ’માં એક નોકરના પુત્રના પાત્રમાં જોવા મળશે. આ પહેલાં રાજીવ ‘આમીર’ અને ટેબલ નં 21′ જેવી ફિલ્મોમાં કરી ચૂક્યા છે.