Wedding Without Rituals: શહીદ ભગતસિંહને સાક્ષી માની થયા અનોખા લગ્ન
Wedding Without Rituals: હવે લગ્ન માત્ર પરંપરાગત વિધિઓ સુધી સીમિત રહ્યા નથી. કેટલીક વખત આવા પ્રસંગો નવી દિશા આપે છે. હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામના અનોખા લગ્ને સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીં ના પૂજારી આવ્યા, ના પરંપરાગત મંડપ શણગારાયો, પરંતુ ઉપસ્થિત દરેક વ્યક્તિએ એક નવતર રીતે દેશભક્તિ અનુભવી.
શહીદ ભગતસિંહ યુવા મંચના સભ્ય સર્વેશ ભુક્કરે પોતાની જીવનસાથી પારસ સાથે લગ્ન કર્યા, જેમાં કોઈ ધાર્મિક વિધિ નહીં, કોઈ મંત્રોચ્ચાર નહીં, પણ માત્ર એક અદભૂત સંદેશ હતો—દેશ માટે સમર્પિત જીવનશૈલી. લગ્નમાં ના સોના-ચાંદીના દાગીના હતા, ના ધામધૂમ, પણ કેક કાપીને અને ભગતસિંહના ફોટા સામે ફૂલો અર્પણ કરીને વિધિ પુરી કરવામાં આવી.
લગ્ન દરમિયાન ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ અને ‘શહીદ ભગતસિંહ અમર રહો’ ના નારા ગુંજ્યાં. શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે માળા પહેરાવવી એ દરેક રીતિની જગ્યા લઇ ગઈ. લગ્ન કાર્ડ પર ભગવાન ગણેશની જગ્યાએ દીનબંધુ છોટુ રામ અને ભગતસિંહના ફોટા મુકાયા હતા. મહેમાનોને ભેટરૂપે છોડ આપવામાં આવ્યા, જે પર્યાવરણ અંગે સંવેદનશીલતાનું પ્રતિક છે.
સર્વેશે જણાવ્યું કે તે બાળપણથી ભગતસિંહથી પ્રભાવિત છે અને જીવનમાં તેમનાં વિચારોને અનુસરવાનો સંકલ્પ લીધો છે. આ પ્રસંગે સમાજમાં એક નવો સંદેશ જઈ રહ્યો છે—લગ્ન માત્ર બંધન નથી, પરંતુ એક જવાબદારી પણ છે, જે આપણે સમાજ અને દેશ માટે નિભાવવી જોઈએ.
આ અનોખા લગ્ન હવે સોશિયલ મીડિયા પર વાયરલ છે અને લોકો પ્રસંસા કરતાં થાકી રહ્યા નથી.