US Tariff ચીન સામે અમેરિકાનું આક્રમક વલણ: ભારત બની રહ્યુ છે મુખ્ય વેપાર સહયોગી
US Tariff અમેરિકાએ ચીન સામે વધુ એક આક્રમક આર્થિક પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ચીનથી આયાત થતા માલ પર હવે ૧૨૫ ટકા ટેરિફ વસૂલવામાં આવશે. આ નિર્ણય એક તરફ વૈશ્વિક વેપારને નવો વળાંક આપી રહ્યો છે, તો બીજી તરફ ભારત જેવા દેશોને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર બનાવે છે.
વ્હાઇટ હાઉસમાં યોજાયેલા પ્રેસ બ્રીફિંગમાં યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે સ્પષ્ટ કહ્યું કે ભારત ટેરિફ મુદ્દે અમેરિકાની સાથે ચર્ચા કરવા માટે સૌથી આગળ છે. તેમણે જણાવ્યું કે ચીનની અન્યાયી વ્યવસાય નીતિઓ વિશ્વના અર્થતંત્રમાં અસંતુલન પેદા કરી રહી છે, અને તે કારણે આવા કડક પગલાં આવશ્યક બની ગયા છે.
અગાઉ ચીને ૩૪ ટકા ટેરિફમાં વધારો કરીને તેને ૮૪ ટકા સુધી પહોંચાડ્યો હતો, જે પછી અમેરિકાએ તેના જવાબરૂપે ૧૨૫ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો. ટ્રમ્પએ સાથે જ 75 અન્ય દેશો પર લાગુ ટેરિફ 90 દિવસ માટે સ્થગિત કર્યા છે, જેથી તેઓ સાથે પણ સકારાત્મક વાટાઘાટ કરી શકાય.
મહત્વપૂર્ણ વાત એ છે કે અમેરિકાની મુખ્ય વેપાર ચર્ચાઓ હાલમાં ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા સાથે થઈ રહી છે. બેસન્ટે કહ્યું કે, “જેઓ દેશ આગેકૂચ કરશે અને વ્યવહારુ પ્રસ્તાવ લાવશે, તેમને ટેરિફમાં રાહત આપવામાં આવશે. અમે એવા દેશો માટે ટેરિફ 10 ટકા સુધી લાવવા અંગે વિચારણા કરી રહ્યા છીએ.”વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ જણાવ્યું કે હવે સમગ્ર વિશ્વ અમેરિકા તરફ જોઈ રહ્યું છે. ચીનથી દૂર જતાં દેશો હવે અમેરિકાને વેપાર માટે વધુ પડતું મહત્વ આપી રહ્યા છે.
આ સમગ્ર પરિસ્થિતિએ વૈશ્વિક વેપારના નકશામાં નવું સમીકરણ ઊભું કર્યું છે, જેમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બની રહ્યું છે. આગામી દિવસોમાં જોવા જેવી વાત એ હશે કે આ નીતિ તણાવ વધારે છે કે લાંબા ગાળે એક સ્થિર અર્થવ્યવસ્થા તરફ દોરી જાય છે.