ઓમકાર સ્વૈચ્છિક ગૌસેવા ટ્રસ્ટ દ્વારા 12 ગૌશાળાઓમાં નિરણ વિતરણ
સમાજસેવાના અનેક માર્ગોમાં પશુસેવા હંમેશાં સર્વોત્તમ અને પવિત્ર માનવામાં આવે છે. નિવૃત્ત પોલીસ અધિકારી રાઘવભાઈ બારોટે પોતાની નોકરી દરમિયાન જ નક્કી કરી લીધું હતું કે જીવનના બાકી વર્ષો તેઓ ગૌસેવામાં વિતાવશે. આ સંકલ્પમાંથી જ ઓમકાર સ્વૈચ્છિક ગૌસેવા ટ્રસ્ટની શરૂઆત થઈ અને આજે આ ટ્રસ્ટ દ્વારા અસંખ્ય ગૌમાતાને અન્ન-જળની સુવ્યવસ્થિત સેવા મળી રહી છે. રાઘવભાઈ માને છે કે ગૌસેવા માત્ર કાર્ય નથી પરંતુ માનવતા સાથે જોડાયેલી એક ઊંડી ભાવના છે.
ગૌસેવા માટે વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ ઊભું કરવાનું વલણ
2021માં પોલીસ વિભાગમાં સેવા આપતા રાઘવભાઈના મનમાં વિચાર આવ્યો કે ગૌસેવા કરવાની ઇચ્છા ધરાવતા લોકોની સંખ્યા તો ઘણી છે, પરંતુ યોગ્ય માર્ગદર્શનમાં અભાવને કારણે તેઓ આગળ આવી શકતા નથી. આ માટે તેમણે પારદર્શક દાન પદ્ધતિ ધરાવતું એક પ્લેટફોર્મ ઉભું કરવાનો વિચાર કર્યો. શરૂઆતમાં માત્ર 30 લોકોના નાના ગ્રુપથી આ કાર્ય શરૂ કર્યું, પરંતુ થોડા સમયમાં જ સભ્યોની સંખ્યા ઝડપથી વધી. હાલમાં આ ગૌસેવા પરિવાર 415થી વધુ સભ્યો સાથે કાર્યરત છે અને સતત વિસ્તરી રહ્યો છે.
પુષ્ય નક્ષત્રના દિવસે નિરણ વિતરણનું વિશેષ અભિયાન
આ સેવા સંપૂર્ણ રીતે ઓનલાઈન સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે. દર મહિને પુષ્ય નક્ષત્રના શુભ દિવસે ગ્રુપ દ્વારા નિરણ વિતરણનું વિશેષ અભિયાન ચાલે છે. સભ્યો દ્વારા મળતી રકમથી નિરણ ખરીદી અને લગભગ 12 ગૌશાળાઓમાં તેને વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે. શુભ તિથિ પર કરવામાં આવતી આ સેવા સભ્યોને વિશેષ પ્રેરણા આપે છે અને વધુ સકારાત્મક ઊર્જા જન્માવે છે. આ અભિયાનના કારણે અનેક ગૌમાતાઓને સમયસર અન્ન મળી રહે છે.
પારદર્શક હિસાબ અને સ્વેચ્છાદાનથી લોકોમાં વિશ્વાસ વધારો
દાન માટે કોઈ દબાણ કે ફરમાન નથી, જેટલી ક્ષમતા હોય એટલું સભ્યો ગુગલ પે દ્વારા સહાય રૂપે આપી શકે છે. કોઈ 100 આપે છે, કોઈ 200 આપે છે તો કેટલાક સભ્યો 500 થી 1,000 સુધીનું દાન પણ કરે છે. દર મહિને લગભગ 60 થી 70 હજાર જેટલો ફાળો એકત્ર થાય છે. કેટલી રકમ એકત્ર થઈ, કેટલા નિરણની ખરીદી થઈ અને કઈ કઈ ગૌશાળામાં મોકલવામાં આવી તેની સંપૂર્ણ વિગતો ગ્રુપમાં મોકલવામાં આવે છે. આ પારદર્શકતાથી સભ્યોનો વિશ્વાસ મજબૂત બને છે અને નવા લોકો પણ જોડાવા પ્રોત્સાહિત થાય છે.
દક્ષાબેન બારોટની પ્રેરણા અને સંસ્થાના વિસ્તરણનો સંકલ્પ
રાઘવભાઈના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર સેવા યજ્ઞ તેમની પત્ની દક્ષાબેન બારોટના નામે શરૂ કરવામાં આવ્યો છે. તેમની પ્રેરણા અને સહકાર વગર આ સેવા શક્ય બનતી નહીં. મોચીનગર ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ઓમ શ્રી ગેલકૃપા ઓફિસ દ્વારા ઇચ્છુક લોકો સેવા કાર્યમાં જોડાઈ શકે છે. ભવિષ્યમાં વધુ ગૌશાળાઓને સહાયરૂપ બનવાનો ટ્રસ્ટનો સંકલ્પ છે અને રાઘવભાઈનું સ્વપ્ન છે કે સૌરાષ્ટ્રની કોઈ ગૌશાળા કદી અભાવે ન તરસે. રાઘવભાઈનું જીવન સમાજમાં કરુણા અને સમર્પણનો સાચો પાઠ પાથરે છે.

