Sanjay Raut on Tahawwur Rana તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર રાજકીય ઘમાસાણ
Sanjay Raut on Tahawwur Rana મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જયારે સરકારે આ પગલાને મોટી સફળતા ગણાવી રહી છે, ત્યારે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર, ખાસ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યું, “તહવ્વુર રાણાને લાવ્યા તે સારી વાત છે, પણ હવે દેશમાં ‘રાણા મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. બિહારની ચૂંટણી સુધી આ મહોત્સવ ચાલશે.”
કુલભૂષણ અને દાઉદના મુદ્દે સરકારને ઘેરી
સંજય રાઉતે સવાલ ઉઠાવ્યો કે, “કુલભૂષણ જાધવ હજુ પણ પાકિસ્તાનમાં જેલમાં સડી રહ્યો છે. તેને ક્યારે પરત લાવશો? દાઉદ ઇબ્રાહિમને ક્યારે લાવશો?” તેમણે જણાવ્યું કે જો હિંમત હોય તો નીરવ મોદી, મેહુલ ચોકસી અને લલિત મોદી જેવા ભ્રષ્ટાચારના આરોપીઓને પણ પરત લાવી બતાવો.રાઉતે દાવો કર્યો કે તહવ્વુર રાણાની વિરુદ્ધ ચાલુ કાનૂની લડાઈ યૂપીએ સરકારના સમયમાં શરૂ થઈ હતી. તેમણે જણાવ્યું કે, “આ લોકો તો આજે શ્રેય લેતાં બેઠા છે, જ્યારે તત્કાલીન યુપીએ સરકારે આ પ્રક્રિયાને શરૂ કરી હતી. ત્યારે પિયૂષ ગોયલ ક્યાં હતા?”
અબુ સલેમના પ્રત્યાર્પણની ઉદાહરણ સાથે જવાબ
તેમણે કહ્યું કે યુપીએ શાસન દરમિયાન અબુ સલેમને પોર્ટુગલથી લાવવામાં આવ્યો હતો, જે દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ ગણાતો હતો અને 1993ના બોમ્બ વિસ્ફોટોમાં સંડોવાયેલો હતો. “અમે અબુ સલેમને લાવ્યા હતા, આમાં શું નવું છે?” એમ સંજય રાઉતે કહ્યું.
પ્રિયંકા ચતુર્વેદી
શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે રાણાનું પ્રત્યાર્પણ 26/11 હુમલામાં પીડિત પરિવારો માટે ન્યાય તરફ એક મોટું પગલું છે. તેમણે X (હવે Twitter) પર લખ્યું કે, “હવે હેડલી અને હાફિઝ સઈદને પણ ભારત લાવવાને તરફ પ્રયાસ થવો જોઈએ.”
તહવ્વુર રાણા કોણ છે?
પાકિસ્તાનમાં જન્મેલા કેનેડિયન નાગરિક રાણા, ડેવિડ હેડલીના નજીકના સહયોગી હતા. તેમણે આતંકવાદી કારવાઈ માટે હેડલીને વિઝા, કવર વ્યવસ્થા અને સંપર્ક સુવિધાઓ આપેલી હતી. તેઓ છાબડ હાઉસ, નેશનલ ડિફેન્સ કોલેજ જેવી જગ્યાઓની રેકી માટે પણ જવાબદાર ગણાય છે.