Worlds Smallest Pacemaker: નવજાત બાળક માટે આશાજનક શોધ, દુનિયાનું સૌથી નાનું પેસમેકર હવે સાકાર
Worlds Smallest Pacemaker: નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી નાનાં અને આધુનિક પેસમેકરનું વિકાસ કર્યું છે, જે માત્ર એક સિરીંજની નોકમાં સરળતાથી ફિટ થઈ શકે છે અને શરીરમાં ઇન્જેક્ટ કરી શકાય છે. આ પેસમેકરનું કદ માત્ર ૧.૮ મિ.મી. પહોળું, ૩.૫ મિ.મી. લાંબુ અને ૧ મિ.મી. જાડું છે – એટલે કે, તે એક ચોખાના દાણા કરતા પણ નાનું છે, છતાં તેની કાર્ય ક્ષમતા પરંપરાગત પેસમેકર જેવી જ છે.
ખાસ કરીને બાળકો માટે રચાયેલ
નવજાત શિશુઓ, ખાસ કરીને જન્મજાત હૃદય ખામીઓ ધરાવતાં બાળકો માટે, આ નાનું પેસમેકર અત્યંત લાભદાયી બની શકે છે. નોર્થવેસ્ટર્ન બાયોઇલેક્ટ્રોનિક્સના સંસ્થાપક અને પ્રોજેક્ટના મુખ્ય સંશોધક જોન એ. રોજર્સના જણાવ્યા અનુસાર, “બાળ ચિકિત્સામાં, જ્યાં શરીર નાજુક હોય છે, ત્યાં ઓછું કદ અને ઓછા વજનવાળું ઉપકરણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.”
વાયરલેસ અને ઓગળી જતું ડિઝાઇન
પરંપરાગત પેસમેકર સામાન્ય રીતે સર્જરીથી સ્નાયુ સાથે સીવવામાં આવે છે અને બહારથી વાયર દ્વારા પાવર આપવામાં આવે છે. પણ, આ નવું ઉપકરણ વાયરલેસ છે અને સમયાંતરે શરીરમાં ઓગળી જતું હોય તેવું ડિઝાઇન કરવામાં આવ્યું છે.
તેમાં કોઈ બાહ્ય પાવર સોર્સ નથી, પણ રાસાયણિક પ્રક્રિયાના આધાર પર તે ગેલ્વેનિક સેલ તરીકે કાર્ય કરે છે. જ્યારે ઉપકરણ શરીરના પ્રવાહી સાથે સંપર્કમાં આવે છે, ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોડ્સ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, જે હૃદયના ધબકારા વ્યવસ્થાને નિયમિત રાખે છે.
Check out some brand new biomedical tech – crazy cool, in my own, humble but admittedly biased opinion – introduced in our paper (link below), published today in @Nature, titled “Millimetre-scale, bioresorbable optoelectronic systems for electrotherapy,” where we describe the… pic.twitter.com/fqf9GZTsTY
— John A Rogers (@ProfJohnARogers) April 2, 2025
સ્માર્ટ ટેકનોલોજી સાથે સંકળાયેલું
આ પેસમેકર એક નરમ પેચ સાથે જોડાયેલું હોય છે, જે દર્દીના છાતી પર મૂકવામાં આવે છે. તેમાં ઈન્ફ્રારેડ પ્રકાશનો ઉપયોગ થાય છે, જે શરીરમાં ઊંડે પ્રવેશી શકે છે. જ્યારે દર્દીના હૃદયના ધબકારા સામાન્યથી ધીમા થઈ જાય, ત્યારે ઉપકરણ આ માહિતી ઓળખી પ્રકાશ ઉત્સર્જન શરૂ કરે છે, જેના કારણે હૃદયના ધબકારા ફરીથી યોગ્ય ગતિએ આવતાં રહે છે.
આ શોધ બાળકના જીવન માટે નવો પ્રકાશ બની શકે છે, અને ભવિષ્યમાં તેની સાથે સંબંધિત ઘણા દર્દીઓ માટે આશાની કિરણ સાબિત થઈ શકે છે.