PSI Written Exam 2025 : PSI ની પરીક્ષા માટે પૂર્ણ તૈયારી: આવતીકાલે રાજ્યભરમાં એક લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
PSI Written Exam 2025 : ગુજરાત રાજ્યમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) તરીકે નિમણૂક મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આવતીકાલે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યના ત્રણ મહાનગરો – અમદાવાદ, સુરત અને વડોદરાની કુલ 340 શાળાઓમાં PSIની લેખિત પરીક્ષા યોજાવાની છે.
આ ભરતી પ્રક્રિયા હેઠળ બિનહથિયારી PSIની કુલ 472 જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાશે. જે માટે શારીરિક કસોટી જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2025 વચ્ચે લેવામાં આવી હતી અને તેમાં સફળ થયેલા 1,02,935 ઉમેદવારો આવતીકાલે લેખિત પરીક્ષામાં ભાગ લેશે.
પરીક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે કડક વ્યવસ્થા ગોઠવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર તથા વર્ગખંડમાં CCTV કેમેરા દ્વારા લાઇવ મોનિટરિંગ થશે. તેમજ બંને પેપર શરૂ થાય તે પહેલાં ઉમેદવારોના બાયોમેટ્રિક અને ફોટો વેરિફિકેશન કરવામાં આવશે. ઉપરાંત, પરીક્ષા માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું GPS માધ્યમથી પણ મોનિટરિંગ થશે.
3 કલાકના 2 પેપર અને 8000થી વધુ સ્ટાફ તૈનાત
આ PSI પરીક્ષામાં કુલ બે પેપર હશે, દરેક પેપર 3 કલાકનો રહેશે. પરીક્ષા શાંતિપૂર્વક અને ગેરરીતિ વગર સંચાલિત થાય તે માટે 8000થી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર એક PI કે PSIને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
વરિષ્ઠ અધિકારીઓની દેખરેખમાં પરીક્ષા
અમદાવાદ, સુરત અને વડોદરા શહેરોમાં આ પરીક્ષા પોલીસ કમિશનરોના જનરલ સુપરવિઝન હેઠળ તથા IGP અને DIGP કક્ષાના સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લેવામાં આવશે.
ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે જો કોઈ પણ વ્યક્તિ ગેરરીતિમાં સામેલ જોવા મળશે તો તેની સામે કડક પગલાં લેવાશે.