Gujarat Congress Strategy 2025 : 2027નું લક્ષ્ય: કોંગ્રેસે શરૂ કર્યું મિશન ગુજરાત, સંગઠન મજબૂત કરવાની દિશામાં પ્રથમ પગલું
Gujarat Congress Strategy 2025: 64 વર્ષ બાદ ગુજરાતમાં આયોજિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન બાદ હવે પાર્ટી નવી દિશામાં આગળ વધતી દેખાઈ રહી છે. સત્તાની બહાર ગયેલી કોંગ્રેસ ગુજરાતમાં પોતાની પકડ ફરીથી મજબૂત કરવા માટે અત્યારથી જ તૈયારીમાં લાગી ગઈ છે. દિલ્હીના કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી રાજ્ય માટે નવો સંગઠન પ્લાન ઘૂંટવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે નિરીક્ષકોની નિમણૂક જાહેર કરવામાં આવી છે.
દિલ્હીથી મળેલી માહિતી અનુસાર, હવે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન નવા મોડલ પર કાર્યરત થશે. એઆઇસીસી (AICC) તરફથી 43 મુખ્ય નિરીક્ષકો અને 7 સહાયક નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. તેના ઉપરાંત પીસીસી (PCC) દ્વારા 183 સ્થાનિક નિરીક્ષકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે દરેક એઆઇસીસી નિરીક્ષક સાથે રાજ્યના ચાર નિરીક્ષકો પણ જોડાશે, જેથી આયોજન વધુ સુગમ અને અસરકારક બની શકે.
આ નિરીક્ષકોમાં યુવા અને વરિષ્ઠ નેતાઓ, વર્તમાન તથા ભૂતપૂર્વ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્ટી તરફથી જણાવાયું છે કે વર્ષ 2025નો હેતુ સંગઠનને તીવ્ર બનાવવાનો છે. અને તેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી છે.
આગામી 15 એપ્રિલે મોડાસામાં તમામ નિરીક્ષકોની પ્રથમ બેઠક યોજાવાની છે, જેમાં આગામી કામગીરીની રચના અને જવાબદારીઓની વહેંચણી કરવામાં આવશે.
રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન પણ ગુજરાતના મુદ્દાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંનેએ તેમના ભાષણોમાં ગુજરાતના રાજકીય પુનરાગમનને મુખ્ય લક્ષ્ય તરીકે રજૂ કર્યું હતું. અહીં સુધી કે, એ અધિવેશનમાં ગુજરાત માટે એક અલગ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને તે મંજૂર પણ થયો – જે પ્રથમ વખત બન્યું છે.
રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ સંસદમાં જાહેર કર્યું હતું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં વિજય મેળવીને બતાવશે. આ ઘોષણા સાથે હવે સંગઠનના સ્તરે તીવ્ર તૈયારી શરૂ કરી દેવાઈ છે.
તેમણે જણાવ્યુ હતુ કે જિલ્લાવાર સંગઠનને વધુ સક્રિય બનાવશે અને જિલ્લા પ્રમુખો તથા કારોબારીઓને મોટા પ્રમાણમાં જવાબદારી સોંપવામાં આવશે. દિલ્હી ખાતે હમણાં જ જિલ્લા નેતાઓ સાથે યોજાયેલી બેઠક પણ એ જ દિશામાં ચાલેલી હતી.
આ તમામ પ્રયાસો કોંગ્રેસના “મિશન ગુજરાત 2027” માટે એક મજબૂત પાયા બનાવે તેવો આશય રાખે છે.