Congress Workers Letters to Rahul Gandhi : ગુજરાત કોંગ્રેસમાં ઉથલપાથલ: કાર્યકરોનો આક્ષેપ – “અમારા નેતાઓ ભાજપ માટે કામ કરે છે!”
Congress Workers Letters to Rahul Gandhi : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ખુલીને સામે આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાંથી કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ રાહુલ ગાંધીને પત્રો લખીને વર્તમાન નેતૃત્વ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. આ પત્રોમાં, કોંગ્રેસના કેટલાક ટોચના નેતાઓ પર સીધા આરોપ મુકવામાં આવ્યા છે કે તેઓ ભાજપના એજન્ટ તરીકે કાર્ય કરી રહ્યા છે અને પાર્ટીનું અસ્તિત્વ નબળું પાડવા માટે જ વલણ ધરાવે છે.
આ પત્રો ખાસ કરીને રાહુલ ગાંધીની આગામી 15-16 એપ્રિલની ગુજરાત મુલાકાતને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવ્યા છે. કાર્યકરોની મુખ્ય માંગ છે કે રાહુલ ગાંધી પાર્ટીનું નેતૃત્વ બદલે અને રાજ્યમાં શક્તિશાળી અને સાચું કોંગ્રેસી લીડરશીપ ઊભું કરે. પત્રો લખનારાઓમાં યુવાઓ ઉપરાંત મહિલાઓનો પણ મોટી સંખ્યામાં સમાવેશ થાય છે.
આ વિવાદાસ્પદ પત્રોમાં એવી પણ માંગ છે કે અમુક નેતાઓ, જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે ગુપ્ત રીતે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે, તેમને તાત્કાલિક રીતે પક્ષમાંથી દૂર કરવામાં આવે. લખાયેલ પત્રો માત્ર એક કે બે જિલ્લાઓ પૂરતા સીમિત નથી – અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મહાનગરો સહિત ઘણા વિસ્તારોમાંથી આવ્યાં છે.
કાર્યકરોના મતે, ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ પડતી “એન્ટી-ઇન્કમ્બન્સી” લહેર હોવા છતાં, કોંગ્રેસ તેને યોગ્ય રીતે લ્હાવી શકી નથી. તેના પાછળ શિથિલ સંગઠન, જુના ચહેરા, આંદોલનની અછત અને જનમુળભૂત મુદ્દાઓ પર મૌન રહેવું, આવા અનેક કારણો જવાબદાર છે.
કેટલાક પત્રોમાં એવું પણ ઉલ્લેખાયું છે કે વિધાનસભા 2022 અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ દરમિયાન કેટલાક કોંગ્રેસ નેતાઓએ ભાજપ સાથે ગુપ્ત સમજૂતી કરી હતી, જેના પરિણામે પાર્ટીને ગંભીર રાજકીય નુકસાન ભોગવવું પડ્યું હતું. કેટલાક પત્રોમાં સ્પષ્ટપણે પાંચ એવા કોંગ્રેસી લીડરોના નામનો પણ ઉલ્લેખ થયો છે જેમણે “સ્લીપર સેલ” જેવી ભૂમિકા ભજવી હોવાનું કહેવામાં આવ્યું છે.
હવે જો રાહુલ ગાંધી આ પત્રોને ગંભીરતાથી લે છે અને તપાસના આદેશ આપે છે, તો શક્યતા છે કે આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે. આ સમગ્ર ઘટનાક્રમ પાર્ટી માટે નવું સંકટ પણ ઊભું કરી શકે છે અને સાથે સાથે નવા નાયકોના જન્મની પણ શક્યતા ઊભી કરે છે.