Chilli price drop in Amreli : દેશી મરચાના ભાવમાં ભારે ઘટાડો, ખેડૂતોએ કહ્યું – હવે શું ખેતી કરીએ?
Chilli price drop in Amreli : અમરેલી જિલ્લામાં મરચાના ભાવમાં અચાનક 5000 રૂપિયા જેટલો ઘટાડો થતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે. જમાવટ વધારે હોવા છતાં, માગ ઘટતા અને ગુણવત્તામાં તફાવત હોવાને કારણે મરચાનું બજાર તળિયે પહોંચી ગયું છે.
આ અગાઉ જ્યાં દેશી મરચાને 5000 થી 7000 રૂપિયા સુધી ભાવ મળતો હતો, ત્યાં હવે તેની કિંમત 1500 થી 3000 રૂપિયા જેટલી ઘટી ગઈ છે. માર્કેટિંગ યાર્ડમાં રોજેરોજ આવક વધી રહી છે, પણ ખરીદદારોનો રસ ન હોવા અને ગુણવત્તા ન હોવાને કારણે વેપારીઓ નફાકારક ખરીદીથી બચી રહ્યા છે.
વેપારીઓ શું કહે છે?
અમરેલીના વ્યાપારી રાજેશભાઈએ જણાવ્યું કે, “મરચાની આવક સારી છે, પણ ગ્રાહકોની માંગ ઘટતા ભાવ નીચે ધસી રહ્યા છે.”
આજકાલ ખાસ કરીને હાઈબ્રિડ બીજના મરચા બજારમાં આવતા હોવાથી તેની ગુણવત્તા પહેલા જેટલી રહેતી નથી અને તેના કારણે વેપારીઓ ભાવ ઓછા આપે છે.
ખેડૂતોની હાલત શું છે?
ખેડૂત દલસુખભાઈ દુધાતે જણાવ્યું કે, “મરચાની ખેતીમાં ઘણો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ વધી ગયો છે. અને છતાં આજે મરચાના ભાવ 1500 થી 2000 રૂપિયા થયા છે. આવા દર પર વેચાણથી ખાલી નુકસાન થાય છે.”
યાર્ડમાં પણ માહોલ ઠંડો છે
ગોંડલ અને અમરેલી યાર્ડમાં ભાવ લગભગ સરખા જ જોવા મળે છે. યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે, “મરચાની ગુણવત્તા જ ભાવ નક્કી કરે છે. હાલમાં મરચું જરૂરી ગુણવત્તાવાળું નથી, તેથી વેપારીઓ પણ ઉત્સાહ વગર ખરીદી કરે છે.”
મરચાના ભાવમાં થયો તીવ્ર ઘટાડો
ખેડૂતો માટે નવો ચિંતાનો વિષય બની રહ્યો છે. હવે જોવાની વાત એ છે કે આગામી સમયમાં માંગમાં વધારો થાય છે કે નહીં અને બજાર ફરી ઊંચાઈ તરફ જાય છે કે કેમ.