Pardi to Kaparada Highway Project : ગુજરાતથી મહારાષ્ટ્ર સુધીની મુસાફરી થશે વધુ સરળ! નીતિન ગડકરીએ પારડીથી કપરાડા સુધીના નવા હાઈવે માટે મંજૂરી આપી
Pardi to Kaparada Highway Project : દક્ષિણ ગુજરાત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના સંચારને વધુ સુગમ બનાવવા માટે નવી હાઈવે યોજના લાવવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પારડીથી કપરાડા વચ્ચેના માર્ગને 4-લેન હાઈવેમાં બદલવાની યોજના જાહેર કરી છે, જેનો પ્રોજેક્ટ ખર્ચ અંદાજે ₹825.72 કરોડ થવાનો છે.
પારડીથી કપરાડા સુધી 37.08 કિમી લાંબો માર્ગ અપગ્રેડ થશે
આ નવી યોજના હેઠળ પારડી (NH-48)થી કપરાડા સુધીના રસ્તાનું અપગ્રેડેશન કરવામાં આવશે. માર્ગના નકશા અનુસાર તે સુકેશ, નાના પોંઢા અને અન્ય વિસ્તારોને પાર કરીને કપરાડા સુધી પહોંચશે. આ માર્ગ ન માત્ર ગુજરાતના અંદર સફર સરળ બનાવશે, પણ મહારાષ્ટ્રના નાસિક અને થાણે જેવા શહેરો સુધી કનેક્ટિવિટી સુધારશે.
મુસાફરોને મળશે ટ્રાફિક મુક્ત સફર
4-લેન ડિવાઈડેડ કેરેજવે હોવાને કારણે ટ્રાફિકનું ભારણ ઘટશે અને લાંબી મુસાફરીઓ માટે સમય બચશે. માર્ગ પાયા મજબૂત હોવાના કારણે વરસાદી સિઝનમાં પણ મુસાફરી સરળ રહેશે. હાલના માર્ગોની તુલનાએ નવી હાઈવે વધુ સક્રિય, સુરક્ષિત અને ઝડપી ટ્રાવેલ સુવિધા આપશે.
બીજી મહત્વની યોજના: પ્લાસ્ટિકથી બનશે રસ્તો
માત્ર આ હાઈવે જ નહીં, પણ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સાધલીથી સેગવા જતો માર્ગ પણ નવી ટેક્નોલોજી સાથે બનાવાશે. આશરે ₹10.19 કરોડના ખર્ચે બની રહેલો આ રસ્તો પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવશે.